Vadodara

સાવલીના આસોજ ગામે નકલી ચલણી નોટોનું છાપખાનું ઝડપાયું

વડોદરા જિલ્લા LCBની સર્જિકલ સ્ટ્રાઈક, ₹500ની હૂબહૂ ડુપ્લીકેટ નોટો છાપતું રેકેટ બેનકાબ
વડોદરા: સાવલી તાલુકાના આસોજ ગામે નકલી ચલણી નોટો બનાવતું એક મોટું રેકેટ પોલીસના હાથે ઝડપાયું છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે ચોક્કસ બાતમીના આધારે સર્જિકલ સ્ટ્રાઈક કરતા રાત-દિવસ ₹500ના દરની હૂબહૂ નકલી નોટો છાપતું છાપખાનું ઝડપી પાડ્યું છે.

આરોપીઓએ પોલીસની નજરથી બચવા માટે આસોજ ગામમાં એક શાંત અને એકાંત મકાન ભાડે રાખ્યું હતું, જ્યાં આધુનિક સાધનો વડે નકલી નોટોનું ઉત્પાદન થતું હતું. LCBની રેડ દરમિયાન મકાનમાંથી કલર પ્રિન્ટર, ખાસ પ્રકારનું કાગળ, શાહી તેમજ મોટી સંખ્યામાં છાપેલી ₹500ની નકલી નોટો જપ્ત કરવામાં આવી છે.

પોલીસે ઘટનાસ્થળેથી આ કૌભાંડના મુખ્ય બે સૂત્રધારોને દબોચી લીધા છે. હાલ તપાસ એ દિશામાં ચાલી રહી છે કે અત્યાર સુધી આ નકલી નોટો કયા-કયા બજારોમાં વટાવવામાં આવી છે.
આ સાથે જ પોલીસ એ પણ તપાસી રહી છે કે આ રેકેટ પાછળ કોઈ મોટું આંતરરાજ્ય નેટવર્ક કાર્યરત છે કે નહીં. LCBની ટીમે તપાસનો દાયરો વિસ્તૃત કર્યો છે અને વધુ ધરપકડ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

પકડાયેલા આરોપીના નામ નરેન્દ્ર પાલ અને હેમંત જાગીર હોવાનું જાણવા મળે છે. આ મકાનનો ભાડા કરાર પણ થયો નથી અને પોલીસે મકાનમાલિક મુકેશ અને જયેશ પટેલને પૂછપરછ કરી જવા દીધા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Most Popular

To Top