Vadodara

દેવનગર–વાસણા સર્વ હિંદુ સમાજ સમિતિ દ્વારા વિશાળ હિંદુ સંમેલન યોજાયું

દેવનગર અને વાસણા સર્વ હિંદુ સમાજ સમિતિ દ્વારા હરેકૃષ્ણ નગર, વિવેકાનંદ વિસ્તાર, વડોદરામાં વિશાળ હિંદુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઘુમંતુ સંયોજક (વડોદરા વિભાગ) ભરતસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.

પંચ પરિવર્તન અને નાગરિક કર્તવ્યો પર ભાર
સંબોધન દરમિયાન સોલંકીએ જણાવ્યું કે ભારતના નાગરિક તરીકે દરેકના નિશ્ચિત કર્તવ્યો છે અને પંચ પરિવર્તનના ધ્યેય સાથે સમાજે આગળ વધવું જોઈએ. તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાને ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે સંઘની યાત્રા અંગે માહિતી આપી. ૧૯૨૫માં શરૂ થયેલ સંઘ ટૂંકા સમયગાળામાં સમગ્ર અખંડ ભારતમાં વિસ્તર્યો હોવાનું તેમણે જણાવ્યું.
તેમણે સંઘના સ્થાપક ડૉ. કેશવ બલિરામ હેડગેવારના વિચારોનો ઉલ્લેખ કરતા કહ્યું કે સંસ્કારોથી સમાજનું ઘડતર થાય છે. બાળકોના સંસ્કાર, સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ, વાયુ પ્રદૂષણ નિવારણ માટે વૈદિક હોળી દહન, પ્લાસ્ટિકનો ત્યાગ અને વધુ વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણનું સંરક્ષણ—આ તમામ બાબતો પર તેમણે વિશેષ ભાર મૂક્યો. સામાજિક સમરસતા જળવાય તે માટે અસ્પૃશ્યતાનો ત્યાગ કરી સર્વે સમાન હિંદુ નાગરિક તરીકે કર્તવ્ય નિભાવવાની અપીલ પણ કરી.

આધ્યાત્મિક આશીર્વચન
આ સંમેલનમાં અતિથિ તરીકે પુજ્ય શ્રી સેવા વિલાસ સ્વામી (ઈસ્કોન મંદિર હરિનગર) ઉપસ્થિત રહ્યા હતા. આશીર્વચનમાં તેમણે જણાવ્યું કે નાના માં નાના જીવ પ્રત્યે પણ દયાભાવ રાખવો જોઈએ. શ્રીમદ્ ભગવદ ગીતા માનવીય સંસ્કારોનું સિંચન કરે છે—તે વાત તેમણે સુંદર ઉદાહરણો સાથે સમજાવી.

સમાજમાં જાગૃતિ અને એકતા
કાર્યક્રમના સંયોજક પ્રવીણભાઈ પ્રજાપતિએ પોતાના વ્યક્તવ્યમાં હિંદુ સમાજમાં જાગૃતિ લાવી સામાજિક એકતા વધુ મજબૂત બને તે દિશામાં સતત કાર્ય કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.

સાંસ્કૃતિક કાર્યક્રમો અને મહાઆરતી
હિંદુ સંમેલનની શરૂઆત ગણેશ વંદનાથી કરવામાં આવી. ત્યારબાદ વંદેમાતરમ ગાન તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા. એક બાળાએ ભારતનાટ્યમ નૃત્ય રજૂ કર્યું, જ્યારે શ્રી કૃષ્ણ વિદ્યાલયની બાળાઓએ “માધવ કાના”નો ગરબો રજૂ કર્યો. વિસ્તારની ત્રણ અલગ–અલગ ભજન મંડળીઓની બહેનો દ્વારા ભજનની રમઝટ બોલાવવામાં આવી. અંતે શ્રી કુંદકેશ્વર મહાદેવ ખાતે મહાઆરતીમાં સૌએ સામૂહિક રીતે ભાગ લીધો.
આ હિંદુ સંમેલનમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, સમાજના આગેવાનો તથા સંઘના સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top