લગ્નની લાલચ, બ્લેકમેલ અને જાનથી મારી નાખવાની ધમકીઓ
કિશોર સહિત 6 આરોપીઓ સામે પોક્સો અને એટ્રોસિટી હેઠળ ગુનો નોંધાયો
(પ્રતિનિધિ) વડોદરા, તા. 23
વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી 16 વર્ષીય અનાથ સગીરા પર એક વર્ષથી વધુ સમય સુધી સતત દુષ્કર્મ ગુજારવામાં આવ્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધ્યા બાદ, પ્રેમ સંબંધ જાહેર કરી દેવાની ધમકી આપી કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોર સહિત કુલ 6 યુવકો દ્વારા વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, જેના કારણે સગીરા ગર્ભવતી બની ગઈ હતી.
લગ્ન પ્રસંગે પરિચય, પછી પ્રેમજાળ
પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરા શહેરના હરણી વિસ્તારમાં રહેતો રોહિત રાઠોડિયા એક લગ્ન પ્રસંગમાં આવ્યો હતો, જ્યાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરા સાથે તેનો પરિચય થયો હતો. પરિચય બાદ યુવકે પ્રેમ સંબંધ બાંધ્યા અને લગ્ન કરવાની લાલચ આપી વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. જો કે, લાંબા સમય બાદ પણ યુવકે લગ્ન કર્યા નહોતા.
પ્રેમ સંબંધ જાહેર કરવાની ધમકી આપી બ્લેકમેલ
દરમિયાન રોહિત અને સગીરા વચ્ચેના સંબંધની જાણ થતાં કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોર સહિત શૈલેષ ઉર્ફે અજય વસાવા, મનોજ વસાવા, સંજય રાઠોડ અને સાહિલ ઘાંચીએ સગીરાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. આરોપીઓએ ધમકી આપી હતી કે જો તે તેમની સાથે શારીરિક સંબંધ નહીં રાખે તો સંબંધ જાહેર કરી દેશે અથવા જાનથી મારી નાખશે.
આ ધમકીઓથી ડરી ગયેલી સગીરાનો લાભ લઈ પાંચ આરોપીઓએ અલગ–અલગ સમયે વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ બનાવો 10 ફેબ્રુઆરી 2025થી 20 ડિસેમ્બર 2025 દરમિયાન અનેક વખત થયા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
16 વર્ષની ઉમરે ગર્ભવતી બનતાં પરિવારને જાણ
વારંવારના દુષ્કર્મના પરિણામે સગીરા ગર્ભવતી બની ગઈ હતી. આ વાતની જાણ પરિવારને થતાં મામલો વરણામા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. સગીરાની ફરિયાદના આધારે પોલીસે કિશોર સહિત 6 આરોપીઓ સામે દુષ્કર્મ, પોક્સો એક્ટ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
: પોલીસે 6 ટીમો બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરી
પીડિત સગીરાના માતા–પિતાનું અગાઉ અવસાન થઈ ગયું હોવાથી તે પોતાના સબંધીઓ સાથે રહેતી હતી. તેણીએ 10મું ધોરણ સુધી અભ્યાસ કર્યા બાદ ભણતર છોડ્યું હતું. પીડિતા અનુસૂચિત જાતિની હોવાથી પોલીસે એટ્રોસિટી એક્ટ પણ લાગુ કર્યો છે. પીડિતાનું મેડિકલ પરીક્ષણ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કરજણ ડિવિઝનના ડીવાયએસપી પી.એન. પટેલએ જણાવ્યું હતું કે, “મામલે ગુનો દાખલ કરી લેવામાં આવ્યો છે અને 6 અલગ–અલગ પોલીસ ટીમો આરોપીઓની ધરપકડ માટે કામગીરી કરી રહી છે.”
: લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારનાર આરોપીની ઝડપી ધરપકડ
મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી મુકેશ યાદવ, જે હાલ કરચિયા ગામ નજીક રહેતો હતો અને છૂટક મજૂરી કરતો હતો, તેણે છેલ્લા છ મહિનાથી પીડિત સગીરાને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધો બાંધ્યા હતા. બંને વચ્ચે શહેરની એક હોટલમાં પણ મુલાકાતો થઈ હતી.લગ્ન ટાળતો અને ખોટા વાયદા કરતો મુકેશ યાદવ સામે જવાહરનગર પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી. હાલ પોલીસ આરોપીની કસ્ટડીમાં ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહી છે.