સુરત શહેરના પાલ વિસ્તારમાં આવેલ સુમન મુદ્રા આવાસમાં એક રીક્ષા ચાલકે આપઘાતનો પ્રયાસ કરતાં ખળભળાટ મચી ગયો હતો. પરિવારિક ઝધડાઓથી કંટાળી ગયેલા વ્યક્તિએ પોતાના શરીર પર પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કર્યું હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર, રીક્ષા ચાલક અને તેની પત્ની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી વારંવાર ઝઘડા થતા હતા. પત્ની દ્વારા પૈસાની માંગણીને લઈને બંને વચ્ચે તણાવ વધતો ગયો હતો. રોજિંદા ઝઘડાઓથી માનસિક રીતે પરેશાન થયેલા રીક્ષા ચાલકે અંતે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં તરત જ ફાયર વિભાગને કોલ કરવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ કાબૂમાં લીધી અને વ્યક્તિને બચાવી બહાર કાઢ્યો હતો. ત્યારબાદ ગંભીર રીતે દાઝેલા રીક્ષા ચાલકને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું કે વ્યક્તિની હાલત અતિ ગંભીર છે અને તેને તાત્કાલિક સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. ઘટના અંગે પાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પરિવારિક વિવાદને કારણે આ ઘટના બની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.