દક્ષિણ આફ્રિકા સામે જે ભય હતો તે વાસ્તવિક બન્યો. અમદાવાદના Narendra Modi Stadiumમાં રમાયેલી સુપર 8 મેચમાં નબળી બેટિંગને કારણે ભારતને 76 રનથી કારમી હાર સહન કરવી પડી. 188 રનના લક્ષ્યાંકનો પીછો કરતી ભારતીય ટીમ 18.5 ઓવરમાં માત્ર 111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. રનના અંતરથી આ ભારતની T20 વર્લ્ડ કપ ઇતિહાસની સૌથી મોટી હાર છે. ગ્રુપ સ્ટેજમાં અમેરિકા, નામિબિયા, પાકિસ્તાન અને નેધરલેન્ડ્સ સામે જીતથી ટીમની ખામીઓ ઢંકાઈ ગઈ હતી, પરંતુ કસોટી વખતે બેટિંગ સંપૂર્ણ રીતે નિષ્ફળ ગઈ. હવે સેમિફાઇનલમાં પહોંચવા માટે ભારતે બાકી રહેલી ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઇન્ડીઝ સામેની બંને મેચ મોટા અંતરથી જીતવી ફરજિયાત બની ગઈ છે.
188 રનનો પીછો કરતી વખતે શરૂઆતથી જ ભારતીય બેટ્સમેનો અંડર પ્રેશર દેખાયા હતા. કેપ્ટન એડન મારક્રમે પહેલી જ ઓવરમાં ઇશાન કિશનને બોલ્ડ કરી દક્ષિણ આફ્રિકાનું પલડું ભારે કરી દીઘું હતું. તિલક વર્મા ફરી એકવાર નિષ્ફળ રહ્યા, જ્યારે અભિષેક શર્મા થોડા શોટ બાદ ધીમી ગતિની બોલ પર છેતરાયા અને પેવેલિયનની વાટ પકડી હતી. તો બીજી બાજુ અક્ષર પટેલની જગ્યાએ રમાડાયેલા વોશિંગ્ટન સુંદર બેટ અને બોલ બંનેમાં અસરકારક સાબિત થયા ન હતા. સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા પણ ઇનિંગ્સને ગતિ આપી શક્યા નહીં. 51 રનમાં પાંચ વિકેટ ગુમાવ્યા બાદ મેચ ભારતના હાથમાંથી નીકળી ગઈ હતી એ સૌકોઈ એ માની જ લીધું હતું, બસ એક ચમત્કારની આશા સાથે ભારતીય ક્રિકેટ ફેન્સ છેલ્લે સુધી મેચ જોઈ રહ્યા હતા. શિવમ દુબે (42) અને હાર્દિકે થોડી કોશિશ કરી ખરી, પરંતુ કેશવ મહારાજની કાબૂમાં રાખેલી સ્પિન અને ઝડપી બોલરોની યોર્કરે આશાઓ પર પાણી ફેરવી દીધું હતું.
ભારતીય બોલિંગે શરૂઆતમાં દબાણ બનાવ્યું, પરંતુ David Miller (63) અને Dewald Brevis (44) વચ્ચે ચોથી વિકેટ માટે 51 બોલમાં 97 રનની વિસ્ફોટક ભાગીદારી મેચનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. બંનેએ મધ્ય ઓવરોમાં ભારતીય બોલરો પર પ્રહાર કરી સ્કોર 188 સુધી પહોંચાડ્યો. 90 હજારથી વધુ દર્શકોની હાજરીમાં થયેલી આ હાર ભારત માટે આંખ ઉઘાડનાર સાબિત થઈ છે. હવે ટીમ મેનેજમેન્ટ અને બેટ્સમેનો માટે વ્યૂહરચનામાં ફેરફાર કરીને આગામી બંને મેચોમાં જોરદાર વાપસી કરવી અનિવાર્ય બની ગઈ છે.