Vadodara

રફતારના રાક્ષસો બેફામ : ને.હાઈવે 48 પર ડમ્પરની અડફેટે કારખાનેદારનું મોત

તરસાલીથી જાંબુઆ તરફ જવાના હાઇવે ઉપર મોપેડ સવારને ડમ્પરે અડફેટે લેતા અકસ્માત

( પ્રતિનિધિ )વડોદરા,તા.22

વડોદરા શહેર અને હાઇવે પર રફતારના રાક્ષસો બેફામ બન્યા છે. ત્યારે, વધુ એક અકસ્માતની ઘટના નેશનલ હાઇવે નંબર 48 ઉપર બની હતી. માતેલા સાંઢની ગતિએ દોડી રહેલા એક ડમ્પરે અડફેટે લેતા મોપેડ સવારનું ઘટના સ્થળે મોત થયું હતું. અકસ્માત સર્જી ડમ્પરનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. બનાવને પગલે ઘટના સ્થળે પોલીસ આવી પહોંચી હતી. અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેર બાદ હવે નેશનલ હાઈવે ઉપર પણ અકસ્માતોની વણથંભી વણઝાર અટકવાનું નામ લઈ રહી નથી. ત્યાં તો વીતેલા 24 કલાકમાં વધુ એક અકસ્માતની બીજી ઘટના સામે આવી છે. નેશનલ હાઇવે નંબર 48 તરસાલીથી જાંબુઆ તરફ જવાના હાઇવે ઉપર મોપેડ સવારને ડમ્પરે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે, ડમ્પરના આગળના ભાગે એક્ટિવા ઘૂસી ગઈ હતી અને મોપેડ પર સવાર ચાલક ઉપર ડમ્પરના તોતિંગ પૈડા ફરી વળ્યા હતા.

પ્રાથમિક માહિતી અનુસાર મૃતક દોલતરામ મારવાડી જે હાઇવે ઉપર કારખાનું ધરાવે છે. રાબેતા મુજબ તેઓ પોતાના કારખાના ઉપર જઈ રહ્યા હતા. દરમિયાન અકસ્માતની ઘટના બની હતી. પૂર ઝડપે આવી રહેલા એક ડમ્પરે તેમને અડફેટે લીધા હતા અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ડમ્પરનો ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતને પગલે હાઈવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો.

બનાવની જાણ કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ફરાર થયેલા ડમ્પર ચાલકની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે. અવારનવાર થતાં અકસ્માતોને પગલે વિસ્તારના લોકોએ પણ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને બેકાબૂ બનેલા આવા ભારદારી વાહનો પર અંકુશ લાવવા માંગણી કરી હતી.

Most Popular

To Top