Gujarat

‘ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ’ને ગતિ આપતું ₹4.08 લાખ કરોડનું વિક્રમી બજેટ

ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની પ્રતિક્રિયા

ગાંધીનગર,

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં રજુ કરેલા બજેટ અંગે આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે વર્ષ 2026-27 માટે ₹4,08,053 કરોડનું વિક્રમી બજેટ રાજ્યની વિકાસયાત્રાને નવી દિશા આપનાર છે. ‘શ્રી કમલમ’, કોબા ખાતે પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કહ્યું હતું કે નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરાયેલું આ અંદાજપત્ર સાડા છ કરોડ ગુજરાતીઓની આશાઓનું પ્રતિબિંબ છે. ગયા વર્ષની સરખામણીએ 10.2 ટકા વધારો અને કોઈપણ નવા કરવેરા વિના રજૂ થયેલું આ બજેટ ‘વિકસિત ગુજરાત @2047’ના લક્ષ્ય તરફનો ક્વોન્ટમ જમ્પ સાબિત થશે.
તેમણે જણાવ્યું હતું કે કે દેશના જીડીપીમાં ગુજરાતનો ફાળો 8.2 ટકા છે અને રાજ્યની માથાદીઠ આવક ₹3,01,000 છે, જે રાષ્ટ્રીય સરેરાશથી 60 ટકા વધારે છે. બજેટમાં ‘GYAN’ – ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના સર્વાંગી સશક્તિકરણ પર વિશેષ ભાર મૂકાયો છે.

ગરીબ અને શ્રમિક કલ્યાણને પ્રાથમિકતા
બજેટમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3.15 લાખ નવા આવાસોની જાહેરાત કરવામાં આવી છે. 75 લાખ કુટુંબોને મફત અનાજ, 50 નવા ધનવંતરી આરોગ્ય રથ અને શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ 121 નવા કેન્દ્રો દ્વારા ₹5માં પૌષ્ટિક ભોજનની સુવિધા આપવામાં આવશે.

આરોગ્ય ક્ષેત્રે પીએમ જન આરોગ્ય અને મુખ્યમંત્રી અમૃતમ યોજના હેઠળ 2.72 કરોડથી વધુ લાભાર્થીઓ આવરી લેવાયા છે. શ્રમયોગીઓના ઉત્કર્ષ માટે ₹260 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

યુવા શક્તિ માટે નવી દિશા
‘ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન’ માટે ₹226 કરોડ ફાળવાયા છે. અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે રિસર્ચ પાર્ક સ્થાપાશે, જે યુવાનોમાં સંશોધન સંસ્કૃતિને પ્રોત્સાહન આપશે. સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત કરવા અમદાવાદના i-Hubના તર્જ પર સુરત, વડોદરા, મહેસાણા અને રાજકોટ ખાતે રીજનલ સેન્ટરો ઉભા કરાશે.
શિક્ષણ ક્ષેત્રે 16 નવી સરકારી કોલેજો, 926 પીએમ શ્રી શાળાઓ અને ગાંધીનગર ખાતે દેશની સૌથી મોટી આધુનિક લાઇબ્રેરી બનાવાશે. 2,000 નવી આંગણવાડીઓ માટે ₹360 કરોડ અને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટે ₹400 કરોડની ફાળવણી કરાઈ છે.

ખેડૂત અને પશુપાલકોને રાહત
કૃષિ રાહત પેકેજ માટે ₹11,000 કરોડથી વધુની જોગવાઈ કરવામાં આવી છે. 18,000 કરોડથી વધુની કિંમતના મગફળી, મગ, અડદ, સોયાબીન અને કપાસ ટેકાના ભાવે ખરીદાશે. કિસાન ક્રેડિટ માટે વ્યાજ સહાયરૂપે ₹1,539 કરોડ ફાળવાયા છે.
ઐતિહાસિક નિર્ણય મુજબ ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીની નવી અવિભાગ્ય શરતની જમીનો હવે સ્વમેળે જૂની શરત ગણાશે, જેનાથી ખેડૂતોને પ્રીમિયમમાંથી મુક્તિ મળશે. પશુપાલકો માટે ચાર ઝોનમાં બાયો-સીએનજી પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત પણ નોંધપાત્ર છે.

નારી સશક્તિકરણ અને આદિવાસી વિકાસ
‘લખપતિ દીદી’ અભિયાન અને આઈટીઆઈમાં અભ્યાસ કરતી દીકરીઓ માટે ‘કૌશલ્ય લક્ષ્મી યોજના’ જાહેર થઈ છે. ‘નમો લક્ષ્મી’ યોજના અંતર્ગત ધોરણ 9 થી 12માં પ્રવેશમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.
આદિવાસી વિકાસ માટે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી નિમિત્તે ₹35,000 કરોડથી વધુની ફાળવણી કરાઈ છે. આદિવાસી વિસ્તારોમાં ઉદ્ધવન સિંચાઈ અને 5 નવી GIDC સ્થાપાશે. અનુસૂચિત જાતિ-જનજાતિના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ આવક મર્યાદા ₹2.5 લાખથી વધારી ₹6 લાખ કરાઈ છે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રીન ગ્રોથ પર ભાર
શહેરોના ભારણ ઘટાડવા કલોલ, સાણંદ, સાવલી, બારડોલી અને હીરાસર ખાતે 5 નવા સેટેલાઈટ ટાઉન વિકસાવવામાં આવશે. 1,155 કિમીનો ‘ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર’ અને સોમનાથ-દ્વારકા એક્સપ્રેસવે બનશે. ‘વિકસિત ગુજરાત ફંડ’ માટે ₹50,000 કરોડ ફાળવાયા છે.

ગ્રીન એનર્જી માટે કડાણા ડેમ પર ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ અને ‘ડમ્પ ફ્રી ગુજરાત’ અભિયાન હેઠળ 253 મેટ્રિક ટન કચરાના નિકાલની વ્યવસ્થા કરાશે. 25 GIDC ને સ્માર્ટ અને 120 મીની GIDC નું નવીનીકરણ થશે.

રમતગમત, પ્રવાસન અને ટેકનોલોજી
અમદાવાદને ‘કોમનવેલ્થ ગેમ્સ’ની યજમાની મળતાં શહેરને ‘ઓલિમ્પિક રેડી’ બનાવવા ₹1,200 કરોડ ફાળવાયા છે. વર્ષ 2026 ને ‘ગુજરાત પ્રવાસન વર્ષ’ જાહેર કરવામાં આવ્યું છે અને સોમનાથને ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવામાં આવશે.
AI અને ડિજિટલ ગવર્નન્સ માટે ₹850 કરોડ તથા ‘વિકસિત ગુજરાત @2047’ના લક્ષ્ય માટે ‘GRIT’ સંસ્થાની રચના કરાઈ છે.
જગદીશ વિશ્વકર્માએ અંતમાં જણાવ્યું હતું કે આ બજેટ ટેલેન્ટ, ટેકનોલોજી, ટ્રાન્સફોર્મેશન, ટુરિઝમ, ટ્રસ્ટ અને ટ્રાન્સપરન્સી જેવા ‘6-T’ પર આધારિત છે અને ‘ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ’ના મંત્રને સક્રિય ગતિ આપનાર સાબિત થશે.

Most Popular

To Top