ગાંધીનગર: રાજ્ય સરકારનું જાહેર દેવું નાણાકીય વર્ષ 2023-24ની તુલનામાં 2024-25માં રૂ. 46,915 કરોડ વધ્યું હોવાની માહિતી વિધાનસભામાં પ્રશ્નના લેખિત જવાબમાં જાહેર કરવામાં આવી છે. નાણાકીય વર્ષ 2023-24માં રાજ્ય સરકારનું કુલ જાહેર દેવું રૂ. 3,52,718 કરોડ હતું. જ્યારે નાણાકીય વર્ષ 2024-25 (સુધારેલ અંદાજ) મુજબ દેવું વધીને રૂ. 3,99,633 કરોડ સુધી પહોંચ્યું છે. એટલે કે એક જ વર્ષમાં દેવું અંદાજે રૂ. 46,915 કરોડનો વધારો નોંધાયો છે.
જ્યારે વર્ષ 2023-24 દરમિયાન રૂ. 24,964 કરોડ વ્યાજ તરીકે અને રૂ. 26,136 કરોડ મૂળ રકમ તરીકે ચૂકવવામાં આવ્યા હતા. જ્યારે વર્ષ 2024-25 (સુધારેલ અંદાજ) માટે રૂ. 25,945 કરોડ વ્યાજ અને રૂ. 29,086 કરોડ મૂળ રકમ ચૂકવવાના અંદાજ છે. આંકડાઓ દર્શાવે છે કે રાજ્ય પર દેવાનો બોજ વર્ષ પ્રતિ વર્ષ વધી રહ્યો છે, સાથે સાથે વ્યાજ અને મૂળ રકમની ચૂકવણીમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે.