માર્શલ લૉ જાહેર કરી સંસદ પર કાબૂ મેળવવાનો પ્રયાસ ‘બગાવત’ ગણાયો
દક્ષિણ કોરિયામાં રાજકીય તોફાન ઊભું કરનારા મહત્વપૂર્ણ કેસમાં સિયોલ સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ કોર્ટએ પૂર્વ રાષ્ટ્રપતિ Yoon Suk Yeol ને આજીવન કેદની સજા સંભળાવી છે. અદાલતે ગુરુવારે આપેલા ચુકાદામાં જણાવ્યું કે 3 ડિસેમ્બર 2024ના માર્શલ લૉ જાહેર કરીને દેશની સંસદીય વ્યવસ્થાને અવરોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે કાયદા મુજબ બગાવતનો ગંભીર ગુનો છે.વધુમાં અદાલતએ જણાવ્યું હતું કે યૂન સુક યેઓલે સૈન્ય અને પોલીસ દળોને સક્રિય રીતે ઉપયોગમાં લઈને રાષ્ટ્રીય સંસદ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સાથે સાથે કેટલાક મુખ્ય રાજકીય નેતાઓને અટકાયત કરવાની યોજના પણ બનાવવામાં આવી હતી. ન્યાયાધીશોનું માનવું છે કે આ કાર્યવાહીનો મુખ્ય હેતુ બંધારણીય સંસ્થાઓને નિષ્ક્રિય બનાવવાનો હતો.
ચુકાદો આપતા ન્યાયાધીશ જી ગુઇ-યેઓને જણાવ્યું કે આપત્કાળ દરમિયાન સંસદમાં સૈન્ય તૈનાત કરવું અને રાજ્યની લોકશાહી પ્રણાલીને અસર પહોંચાડવાનો પ્રયાસ “બગાવત” માટે જરૂરી કાનૂની માપદંડોને પૂર્ણ કરે છે. અદાલતે આ પણ નોંધ્યું કે તે સમયગાળા દરમિયાન સરકાર અને વિરોધ પક્ષ વચ્ચે રાજકીય તણાવ હતો, પરંતુ તે પરિસ્થિતિ માર્શલ લૉ જાહેર કરવા માટે પૂરતી નહોતી.
કેસની કાર્યવાહી દરમિયાન યૂન સુક યેઓલે પોતાના પગલાં માટે કોઈ પસ્તાવો દર્શાવ્યો નહોતો અને કોઈ જવાબદારી સ્વીકારી નહોતી. આ બાબતને પણ સજા નક્કી કરતી વખતે મહત્વપૂર્ણ માનવામાં આવી હતી. બીજી તરફ, યૂનના વકીલોએ આ ચુકાદાની ટીકા કરતા જણાવ્યું કે નિર્ણય પહેલાથી નક્કી કરાયેલો હતો અને તેઓ આગળ અપીલ અંગે વિચારણા કરશે.ચુકાદા બાદ યૂનને તરત જ કસ્ટડીમાં લઈ સિયોલ ડિટેન્શન સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા. જો તેઓ અપીલ કરશે તો કેસ હવે હાઈ કોર્ટમાં જશે, જ્યાં કાનૂની તેમજ તથ્ય આધારિત મુદ્દાઓની ફરી સમીક્ષા થશે. અંતિમ અપીલ દેશની સર્વોચ્ચ અદાલતમાં પણ કરી શકાય છે.
આ કેસમાં પ્રોસિક્યુટર્સે પહેલા મૃત્યુદંડની માંગણી કરી હતી અને દલીલ કરી હતી કે પૂર્વ રાષ્ટ્રપતિના પગલાં દેશના બંધારણીય તંત્ર માટે ગંભીર ખતરો હતા. જોકે અદાલતે હાલ માત્ર બગાવતના આરોપ પર જ ચુકાદો આપ્યો છે, જ્યારે સત્તાનો દુરુપયોગ અને અધિકારીક કામગીરીમાં અવરોધ જેવા અન્ય કેસો હજુ બાકી છે.વિશ્લેષકોના મતે આ ચુકાદો દક્ષિણ કોરિયાની રાજકીય ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ઘટના તરીકે નોંધાશે. તેમ છતાં, માર્શલ લૉ સંબંધિત અન્ય કેસો અને સંભવિત અપીલો પૂર્ણ થયા પછી જ સમગ્ર મામલો અંતિમ રીતે પૂર્ણ માનવામાં આવશે. હાલ દેશની રાજકીય સ્થિતિ પર પણ આ ચુકાદાનો પ્રભાવ જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં વધુ રાજકીય ચર્ચાઓ તેજ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.