સુરત શહેરના ડભોલી વિસ્તારમાં સરકારી વ્યાજબી ભાવની દુકાનમાંથી અનાજ સગેવગે કરવાનું મોટું કૌભાંડ બહાર આવતા હાહાકાર મચી ગયો છે. સ્થાનિક લોકો લાંબા સમયથી અનાજની અછત અને ગેરરીતિઓથી કંટાળેલા હતા.અંતે નાગરિકોએ જનતારેડ કરી મામલો ઉઘાડ્યો,જેના પગલે જિલ્લા પુરવઠા વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. સ્થાનિકો પાસેથી મળતી માહિતી મુજબ ડભોલી ખાતે આવેલી કે-40 નંબરની વ્યાજબી ભાવની દુકાનમાંથી ગરીબોને આપવામાં આવતું સરકારી અનાજ ખાનગી ગોડાઉનમાં ખસેડવામાં આવતું હતું.

અનાજ ખાનગી ગુણીમાં ભરીને સગેવગે થતું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.તપાસ દરમિયાન ખાનગી ગોડાઉનમાંથી મોટી માત્રામાં જથ્થો સીઝ કરવામાં આવ્યો છે, જ્યારે સંબંધિત દુકાનને સીલ મારી દેવામાં આવી છે.સ્થાનિકો અનુસાર આ સમગ્ર અનાજ કૌભાંડમાં મસમોટા માથા ઓની સંડોવણી હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે.હાલ તો અનાજ ચોરીના આ રેકેટનો મોટો પર્દાફાશ થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.વિશેષ નોંધનીય છે કે અગાઉ સચિન વિસ્તારમાં પણ અનાજ ચોરીનું કૌભાંડ ઝડપાયું હતું. ડભોલીમાં સામે આવ્યું કૌભાંડ પણ એ જ મોડસ ઓપરંડી પર ચાલતું હોવાની આશંકા છે.

સરકારી અનાજના ગોડાઉનમાંથી જથ્થો બારોબાર ગાયબ થતો હોવાની રાવ વચ્ચે હવે જિલ્લા પુરવઠા વિભાગ સઘન તપાસમાં જોડાયો છે.આ ઘટનાએ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મળતા અનાજની વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા, લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. હવે તપાસમાં શું ખુલાસા થાય છે અને કૌભાંડના મૂળ સુધી તંત્ર પહોંચે છે કે નહીં, તે જોવું મહત્વપૂર્ણ રહેશે.