કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાશે ભવ્ય મહાઆરતી; શિવજીની સવારી પર પુષ્પવર્ષા કરવા શહેર સજ્જ

વડોદરા: મહાશિવરાત્રી પવિત્ર પર્વ નિમિત્તે વડોદરાની સંસ્કારી નગરીમાં ભક્તિમય માહોલ જામ્યો છે. આ મહાશિવરાત્રીની ઉજવણી વિશેષ બની રહેશે, કારણ કે ભારત દેશના કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ખાસ વડોદરાના મહેમાન બનવાના છે. તેઓ સુરસાગર ખાતે યોજાનારી વિશ્વપ્રસિદ્ધ મહાઆરતીમાં ઉપસ્થિત રહી શિવભક્તિમાં લીન થશે.
ગૃહમંત્રીની મુલાકાતને પગલે વડોદરા પોલીસ કમિશનર નરસિંહ કોમરના માર્ગદર્શન હેઠળ સુરક્ષાની કડક તૈયારીઓ કરવામાં આવી છે. આજે એરપોર્ટથી લઈને સુરસાગર સુધીના રૂટ પર પોલીસ કાફલા દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. સુરક્ષા વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારની કચાસ ન રહી જાય તે માટે ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવશે. આ ઉપરાંત, સુરસાગરની આસપાસ NDRF અને ફાયર બ્રિગેડની ટીમોને પણ તેનાત કરી દેવામાં આવી છે.
પરંપરા મુજબ મહાશિવરાત્રીના દિવસે બપોરે 3:30 કલાકે રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી શિવજીની સવારી પ્રસ્થાન કરશે. આ સવારી શહેરના વિવિધ માર્ગો પર ફરીને સાંજે ન્યાય મંદિર પહોંચશે, જ્યાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સવારીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ, સાંજે 7:15 કલાકે સુરસાગર તળાવ ખાતે સ્થિત સર્વેશ્વર મહાદેવની પ્રતિમા પાસે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહેશે. મહાઆરતી પૂર્ણ થયા બાદ અમિત શાહ ઉપસ્થિત શિવભક્તોને સંબોધિત પણ કરશે.
શિવ પરિવારના અગ્રણી મયંક પટેલે જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે મહાઆરતી યોજાશે. હજારોની સંખ્યામાં ઉમટી પડનારા શિવભક્તોની સુરક્ષા અને સુવિધા માટે તંત્ર સાથે સંકલન કરીને સૂક્ષ્મ પ્લાનિંગ કરવામાં આવ્યું છે. સુરસાગરના કિનારે મહાઆરતી માટે ખાસ સ્ટેન્ડ અને દીવાની વ્યવસ્થા પૂર્ણ કરી દેવામાં આવી છે.
મહાશિવરાત્રીના દિવસે શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક ડાયવર્ઝન અને સુરક્ષાના કારણોસર કેટલાક રસ્તાઓ બંધ રાખવામાં આવશે, જેની જાહેર જનતાએ નોંધ લેવા પોલીસ તંત્ર દ્વારા વિનંતી કરવામાં આવી છે.
મહાશિવરાત્રીના પવિત્ર પર્વે વડોદરા શહેર સંપૂર્ણપણે ભક્તિના રંગે રંગાયું છે. સમગ્ર શહેરને ઝગમગતી લાઈટોથી શણગારવામાં આવ્યું છે, જેના કારણે રાત્રિના સમયે નગરનો નજારો અદભૂત ભાસી રહ્યો છે. પરંપરાગત નીકળનારી ‘શિવજી કી સવારી’ના રૂટ પર ઠેર-ઠેર ભવ્ય સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં શિવ પરિવારનું પુષ્પહાર અને ફુલ વર્ષાથી ભાવભીનું સ્વાગત કરવામાં આવશે.
આવતી કાલે વડોદરાના ખૂણેખૂણામાં ‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના નાદ ગુંજી ઉઠશે. શિવ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આખું શહેર શિવમય બન્યું છે. સુરસાગર ખાતે યોજાનારી મહાઆરતી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિને પગલે આ વર્ષની ઉજવણી વધુ યાદગાર અને ભવ્ય બની રહેશે.