Vadodara

વડોદરાના જેલ રોડ પર ‘નો-એન્ટ્રી’ ના સમયમાં બેફામ દોડતા મિક્સર મશીને સર્જ્યો અકસ્માત, તંત્ર ઘોર નિદ્રામાં

સેન્ટ્રલ જેલમાં ચાલતી કામગીરી માટે આવેલી ટ્રકે કારને અડફેટે લેતા લોકોના જીવ તાળવે ચોંટ્યા

સદનસીબે મોટી જાનહાનિ ટળી, પણ પોલીસની કામગીરી સામે ભભૂકતો જનાક્રોશ

(પ્રતિનિધિ), વડોદરા. તા. 12

વડોદરામાં ટ્રાફિકના નિયમો જાણે માત્ર કાગળ પર જ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. શહેર પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ દિવસના વ્યસ્ત સમયમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં, શહેરમાં બેરોકટોક દોડતા ભારદારી વાહનો નિર્દોષ નાગરિકો માટે ‘ચાલતા-ફરતા મોત’ સમાન બની ગયા છે. આ બેદરકારીનો વધુ એક પુરાવો આજે જેલ રોડ પર જોવા મળ્યો હતો, જ્યાં પ્રતિબંધિત સમયમાં ઘૂસેલા એક તોતિંગ મિક્સર મશીન (ટ્રક) એ એક ફોર વ્હીલર ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા મધ્યસ્થ જેલ (સેન્ટ્રલ જેલ) ખાતે હાલમાં ચણતર અને પ્લાસ્ટરની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી માટે રેતી અને કપચીનો માલ તૈયાર કરતું એક મિક્સર મશીન (ટ્રક) જેલ રોડ પરથી પસાર થઈ રહ્યું હતું. તે સમયે ત્યાંથી પસાર થતી એક ફોર વ્હીલર GJ 06 PL 9495 ગાડીને આ મિક્સર મશીન ચાલકે અડફેટે લીધી હતી. જોકે, ટ્રાફિક હોવાને કારણે અને વળાંક પર મશીનની ગતિ ધીમી હોવાને કારણે સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી, પરંતુ ગાડીમાં નુકસાન થવાની સાથે કાર ચાલક અને આસપાસના લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ડ્રાઇવરના જણાવ્યા મુજબ આ ટ્રક અંકોડિયાથી માલ ભરીને મધ્યસ્થ જેલમાં આવ્યું હતું. આ અકસ્માત બાદ સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થયો છે કે, સામાન્ય નાગરિક હેલ્મેટ ન પહેરે તો તુરંત દંડ વસૂલતી ટ્રાફિક પોલીસ, આવા તોતિંગ વાહનો સામે કેમ આંખ આડા કાન કરે છે ? જેલમાં ચાલતા કામ માટે આ મશીન આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે, ત્યારે શું સરકારી કામ માટે નાગરિકોના જીવ જોખમમાં મૂકવાની છૂટ છે ? પ્રતિબંધિત સમયમાં આ ભારે વાહન શહેરમાં પ્રવેશ્યું કઈ રીતે અને જેલ રોડ જેવા ટ્રાફિકથી ધમધમતા વિસ્તાર સુધી પહોંચ્યું કેવી રીતે, તે તપાસનો વિષય છે.

Most Popular

To Top