Gujarat

નવનિયુક્ત મંત્રીઓને ‘નેવા’ એપ્લિકેશનની વિશેષ તાલીમ અપાઈ

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાને વધુ કાર્યક્ષમ, પારદર્શક અને ટેક્નોલોજી આધારિત બનાવવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. આજે વિધાનસભાના નેવા સેવા કેન્દ્ર ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરઈ ચૌધરીની અધ્યક્ષતામાં નવનિયુક્ત કેબિનેટ અને રાજ્યકક્ષા મંત્રીઓને ‘નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન’ (નેવા)ની વિશેષ તાલીમ આપવામાં આવી હતી.

આ પ્રસંગે અધ્યક્ષ શંકર ચૌધરીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય ટેક્નોલોજીનો આગવો અને સફળ ઉપયોગ કરતું આવ્યું છે. ગુજરાત વિધાનસભાનું સમગ્ર કામકાજ હવે સંપૂર્ણપણે ઓનલાઈન અને પેપરલેસ બન્યું છે. નવનિયુક્ત મંત્રીઓ વિધાનસભાની કામગીરી વધુ સરળ, ઝડપી અને અસરકારક રીતે કરી શકે તે હેતુથી આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.

પીએમ નરેન્દ્ર મોદીની ‘વન નેશન, વન એપ્લિકેશન’ની કલ્પનાને સાકાર કરતાં ગુજરાત વિધાનસભાએ છેલ્લા ત્રણ વર્ષથી પેપરલેસ સત્રોની દિશામાં મક્કમ પગલાં લીધા છે. આગામી ૧૫મી વિધાનસભાના આઠમા સત્રથી નવનિયુક્ત મંત્રીઓ નેવા એપ્લિકેશન મારફતે પ્રશ્નોના જવાબો પેપરલેસ આપી શકશે તેવી સુદ્રઢ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અધ્યક્ષ શંકર ચૌધરીએ મંત્રીશ્રીઓને શક્ય તેટલા સંક્ષિપ્ત અને સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપવા સૂચન કર્યું હતું.

તાલીમ દરમિયાન મંત્રીઓએ નેવા એપ્લિકેશન દ્વારા વિધાનસભાની કાર્યવાહી, એલ.એ.ક્યુ., પ્રશ્નોત્તરી, દસ્તાવેજો અપલોડ કરવાની પ્રક્રિયા સહિત વિવિધ ટેક્નિકલ પાસાંઓની વિગતવાર સમજ મેળવી હતી. આ એપ્લિકેશનથી વિધાનસભાની કાર્યપદ્ધતિ વધુ સ્માર્ટ અને સમયબદ્ધ બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રીઓ અને રાજયકક્ષાના મંત્રીઓ ઉપરાંત વિધાનસભાના સચિવ ચેતન પંડ્યા સહિત અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.નેવા એપ્લિકેશન દ્વારા ગુજરાત વિધાનસભા ડિજિટલ ગવર્નન્સના ક્ષેત્રમાં રાષ્ટ્રીય સ્તરે નવી દિશા સ્થાપિત કરી રહી છે અને આ તાલીમ નવનિયુક્ત મંત્રીઓ માટે કાર્યક્ષમ શાસનની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

Most Popular

To Top