ગાંધીનગર : કચ્છ જિલ્લાનું છારી-ઢંઢ કન્ઝર્વેશન રિઝર્વ આજે માત્ર ગુજરાત નહીં, પરંતુ વિશ્વસ્તરીય પક્ષી પર્યટનનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની ગયું છે. તાજેતરમાં છારી-ઢંઢને રામસર સાઇટનો દરજ્જો મળતાં તેની વૈશ્વિક ઓળખ વધુ મજબૂત બની છે. અહીં અત્યાર સુધી 283થી વધુ પ્રજાતિના પક્ષીઓ નોંધાયા છે, પરંતુ તેમાં પણ એક દુર્લભ પ્રવાસી પક્ષી ગ્રે હાયપોકોલિયસ, જે ગુજરાતીમાં ‘મશ્કતી લટોરો’ તરીકે ઓળખાય છે. દુનિયાભરના પક્ષીપ્રેમીઓ માટે મુખ્ય આકર્ષણ બની ગયું છે.
ગ્રે હાયપોકોલિયસ તેની પાતળી કાયા, અનોખી રંગત અને દુર્લભ હાજરીને કારણે વૈજ્ઞાનિકો અને વન્યજીવન ફોટોગ્રાફરો માટે વિશેષ રસનું કેન્દ્ર છે. આ પક્ષી સામાન્ય રીતે ઈરાક, ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના સુકા વિસ્તારોમાં પ્રજનન કરે છે અને ત્યારબાદ શિયાળામાં કચ્છના છારી-ઢંઢના જળપ્લાવિત વિસ્તારોમાં આવે છે. 1990 બાદથી છારી-ઢંઢને ગ્રે હાયપોકોલિયસ માટે વિશ્વસનીય શિયાળુ નિવાસસ્થાન માનવામાં આવે છે.

પક્ષીવિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર, આ પક્ષી સામાન્ય રીતે ઝાડીવાળા રણપ્રદેશ, સુકા વિસ્તાર અને ખેતીવાળા પ્રદેશોની આસપાસ જોવા મળે છે. તે નાના જૂથોમાં રહેવાનું પસંદ કરે છે અને મુખ્યત્વે ફળો તથા બોર પર આધારિત આહાર લે છે. ખાસ કરીને પિલુડી/ખારી જારના પાકેલા બેરીઝ તેનો અતિ પ્રિય ખોરાક છે. સાથે સાથે ‘ટાંકરા’ નામના છોડના બોર પણ તે આરોગે છે.
પક્ષી નિરીક્ષકો કહે છે કે ગ્રે હાયપોકોલિયસ સામાન્ય રીતે ઑક્ટોબર-નવેમ્બર દરમિયાન ફુલાય ગામ આસપાસના ઝાડીવાળા વિસ્તારોમાં આવે છે અને માર્ચ-એપ્રિલ સુધી અહીં રોકાય છે. શિયાળાના મહિનાઓમાં યુરોપ, એશિયા અને મધ્યપૂર્વ દેશોના પક્ષીપ્રેમીઓ ખાસ કરીને આ દુર્લભ પક્ષીને જોવા છારી-ઢંઢનો પ્રવાસ કરે છે.

ઇતિહાસમાં નજર કરીએ તો, 22-23 માર્ચ 1960ના રોજ કચ્છના મોટા રણમાંથી ગ્રે હાયપોકોલિયસના બે નમૂનાઓ નોંધાયા હતા, જ્યારે 23 જાન્યુઆરી 1990ના રોજ પક્ષિવિદ્ એસ. એન. વરુએ ફુલાય ગામે એક માદા ગ્રે હાયપોકોલિયસનું નિરીક્ષણ કર્યું હતું, જેને મહત્વપૂર્ણ પુનઃશોધ તરીકે ગણવામાં આવે છે. છારી-ઢંઢ માત્ર ગ્રે હાયપોકોલિયસ માટે જ નહીં, પરંતુ વ્હાઇટ-નેપ્ડ ટિટ (Machlolophus nuchalis) જેવા અત્યંત દુર્લભ પક્ષી માટે પણ પ્રખ્યાત છે. આ પક્ષી સમગ્ર વિશ્વમાં માત્ર ભારતમાં જ જોવા મળે છે અને તેમાં પણ કચ્છ તેનું મુખ્ય નિવાસસ્થાન છે.રાજ્ય સરકારે જળપ્લાવિત વિસ્તારોના સંરક્ષણ અને જૈવ વૈવિધ્યના સંવર્ધન માટે લીધેલા પગલાંના પરિણામે છારી-ઢંઢ આજે વૈશ્વિક નકશા પર ઊભરતું વેટલેન્ડ બની ગયું છે.