ગાંધીનગર,તા.2
ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ થયેલા અબોલ પક્ષીઓ માટે રાજ્ય સરકારે સંવેદનશીલતા અને માનવતાનો ઉત્તમ દાખલો બેસાડ્યો છે. વન વિભાગ અને સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી યોજાયેલા કરુણા અભિયાન–2026 અંતર્ગત રાજ્યભરમાં કુલ 16,380 ઘાયલ પક્ષીઓને સારવાર અપાઈ, જેમાંથી 14,690 પક્ષીઓને બચાવી લેવાયા, એટલે કે 90 ટકાથી વધુ પક્ષીઓને નવું જીવન મળ્યું છે.
વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આજે ગાંધીનગરમાં કહયું હતું કે અમદાવાદમાં સૌથી વધુ 6,532, સુરતમાં 4,194, વડોદરામાં 649, રાજકોટમાં 553 અને ગાંધીનગરમાં 313 પક્ષીઓને જીવતદાન અપાયું છે. આમ રાજ્યના 33 જિલ્લાઓમાં કરુણા અભિયાન માનવતાનું મજબૂત પ્રતીક બન્યું છે.ઘાયલ પક્ષીઓમાં સૌથી વધુ 13,636 કબૂતર, ત્યારબાદ 905 સમડી, 281 કાગડા, 180 ઢાંક, 137 બ્લેક આઈબીસ, 134 ઘુવડ, 121 બગલા અને 110 પોપટ સહિત કુલ 41 જાતિના પક્ષીઓનો સમાવેશ થયો હતો.
વર્ષ 2017થી શરૂ થયેલા કરુણા અભિયાન હેઠળ છેલ્લા 10 વર્ષમાં 1.29 લાખથી વધુ ઘાયલ પક્ષીઓને સારવાર અપાઈ છે, જેમાંથી 1.18 લાખથી વધુ પક્ષીઓને બચાવી લેવાયા છે, એટલે કે 92 ટકાથી વધુ સફળતા દર કરૂણા અભિયાન દરમ્યાન જોવા મળ્યો છે. કરુણા અભિયાન–2026ને સફળ બનાવવા રાજ્યભરમાં 450થી વધુ કલેક્શન સેન્ટર, 60થી વધુ કંટ્રોલ રૂમ અને 480થી વધુ સારવાર કેન્દ્રો કાર્યરત રહ્યા હતા. આ અભિયાનમાં 650થી વધુ વેટરનરી ડોક્ટર અને અંદાજે 8,000 કર્મચારીઓ-સ્વયંસેવકો અવિરત સેવારત રહ્યા હતા.ઘાયલ પક્ષીઓને સમયસર સારવાર મળી રહે તે માટે વન વિભાગની 24×7 હેલ્પલાઈન 1926, વોટ્સએપ નંબર 83200 02000 તેમજ વર્ષભર કાર્યરત કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 દ્વારા તાત્કાલિક સહાય સુનિશ્ચિત કરવામાં આવી હતી.