Vadodara

વડોદરામાં ચૂંટણીલક્ષી મોટું કૌભાંડ: ભાજપ કાર્યકરોના નામે બોગસ સહી કરી હજારો મતદારોના નામ કમી કરવાનું ષડયંત્ર!​

એક જ કાર્યકરના નામે 300થી વધુ ખોટી અરજીઓ ઠાલવવામાં આવી; મુસ્લિમ મહિલાનું નામ ઉડાડવા માટે હિન્દુ કાર્યકરના નામનો દુરુપયોગ થતા વિવાદ

વડોદરા: શહેરમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન અને મતદાર યાદી સુધારણાની ઝુંબેશ વિવાદોના વમળમાં ફસાઈ છે. ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકરોના નામે તેમની જાણ બહાર બોગસ સહીઓ કરી, મતદાર યાદીમાંથી લોકોના નામ કમી કરવા માટેની ‘ફોર્મ નંબર 7’ ની વાંધા અરજીઓ મોટા પાયે સબમિટ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ મામલે રાજકીય ષડયંત્ર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
કારેલીબાગ વિસ્તારમાં રહેતા ભાજપના સક્રિય કાર્યકર હિતેશ સાંગઠીયાને જ્યારે ચૂંટણી અધિકારીનો ફોન આવ્યો ત્યારે તેઓ ચોંકી ગયા હતા. અધિકારીએ જણાવ્યું કે તેમણે સૈયદપુરામાં રહેતી મેઝબીન નામની એક મુસ્લિમ મહિલાનું નામ મતદાર યાદીમાંથી કમી કરવા માટે વાંધો ઉઠાવ્યો છે. હિતેશભાઈએ આવી કોઈ પણ અરજી કરી હોવાનો ઈનકાર કર્યો હતો. જ્યારે તેમણે વોટ્સએપ પર ફોર્મની નકલ મંગાવી ત્યારે જાણવા મળ્યું કે તેમાં તેમનું નામ, ચૂંટણી કાર્ડ નંબર અને મોબાઈલ નંબર સાચા હતા, પરંતુ સહી તદ્દન બોગસ હતી.
આ મામલો માત્ર એક કાર્યકર પૂરતો સીમિત નથી. હિતેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, તેમના અન્ય એક સાથી કાર્યકર મહેશ રાણા, જેઓ સામાન્ય પરિવારમાંથી આવે છે, તેમના નામે તો અંદાજે 300 જેટલા ફોર્મ ભરી દેવામાં આવ્યા છે. આ કાર્યકરના નામે 12 થી 14 બૂથના 28 થી 30 લોકો વિરુદ્ધ વાંધા ઉઠાવવામાં આવ્યા હોવાની નોટિસો મળતા સમગ્ર વિસ્તારમાં રોષ જોવા મળી રહ્યો છે.
પીડિત કાર્યકર હિતેશ સાંગઠીયાએ આક્ષેપ કર્યો છે કે જ્યારે તેઓ પુરાવા સાથે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા, ત્યારે પોલીસે તેમની ફરિયાદ લેવાનો ઈનકાર કરી દીધો હતો. બીજી તરફ, કલેક્ટર કચેરી દ્વારા પણ કોઈપણ પ્રકારના વેરિફિકેશન વગર સીધી જ નોટિસો ફટકારવામાં આવતા તંત્રની કાર્યપ્રણાલી સામે પ્રશ્નો ઉભા થયા છે.
ભાજપ કાર્યકરના જણાવ્યા મુજબ, આ એક વ્યવસ્થિત ષડયંત્ર હોઈ શકે છે જેનો હેતુ બે સમાજો વચ્ચે વૈમનસ્ય પેદા કરવાનો અથવા લોકશાહીના અધિકારો છીનવવાનો હોઈ શકે છે. તેમણે જણાવ્યું કે, “અમે તો મતાધિકાર આપવા માટે બેઠેલા લોકો છીએ, છીનવવા માટે નહીં.” આ મામલે સીસીટીવી ફૂટેજ ચેક કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
– ​શું છે કાયદો?
લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1950 ની કલમ 31 હેઠળ, ચૂંટણીલક્ષી દસ્તાવેજોમાં ખોટું નિવેદન આપવા બદલ એક વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. છતાં વડોદરામાં આવા તત્વો બેફામ બન્યા છે.

Most Popular

To Top