( પ્રતિનિધિ )વડોદરા,તા.31
વડોદરા શહેરમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે શનિવારે ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલની બહાર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માતને કારણે રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી


આ દરમિયાન હોસ્પિટલ તરફ જતી એક એમ્બ્યુલન્સ પણ લાંબા સમય સુધી ટ્રાફિકમાં ફસાઈ રહી હતી. જેના કારણે દર્દીના જીવ પર જોખમ ઊભું થયું હતું. સ્થાનિકોએ તાત્કાલિક મદદ કરી વાહનોને ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, નટુભાઈ સર્કલથી ગોત્રી હોસ્પિટલ તરફ આવતો માર્ગ અત્યંત વ્યસ્ત રહે છે. વાહનોની ગતિ પર નિયંત્રણ લાવવા માટે આ માર્ગ પર તાત્કાલિક ધોરણે સ્પીડ બ્રેકર બનાવવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે. જો વહીવટી તંત્ર દ્વારા અહીં બમ્પર મૂકવામાં આવે, તો ભવિષ્યમાં આવા અકસ્માતો નિવારી શકાય તેમ છે.