બેદરકારી બદલ વડોદરા એસટી ડેપોની લાલ આંખ
(પ્રતિનિધિ) વડોદરા | તા. ૩૧
વડોદરા એસટી વિભાગ દ્વારા ફરજ પ્રત્યે બેદરકારી દાખવનાર કર્મચારી સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચાલુ ફરજ દરમિયાન પોતાના તાબા હેઠળની મુસાફરો ભરેલી બસ અચાનક રસ્તા પર મૂકીને જતા રહેનાર ડ્રાઈવરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના વડોદરા વિભાગ હેઠળના વડોદરા ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા કમલેશભાઈ પુનમભાઈ પરમાર (ડ્રાઈવર બેઝ નં. ૫૪૫૨) સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. એસટીના સર્વિસ રેગ્યુલેશનની કલમ નં. ૮૦ તથા ૮૨ હેઠળ મળેલી સત્તાના આધારે ડેપો મેનેજર જે.જે. રબારી તથા યોગ્ય સત્તાધિકારીએ અન્ય હુકમો ન મળે ત્યાં સુધી ફરજ પરથી મોકુફી (સસ્પેન્શન) કરવાનો હુકમ કર્યો છે.
મળતી માહિતી મુજબ ગત તા. ૩૦ જાન્યુઆરીના રોજ ફરજ શિડ્યુલ નં. ૧ મુજબ વડોદરા–દિવ રૂટ પર બસ નં. GJ-18-Z-9022 ચલાવતી વખતે ડ્રાઈવર નંદેસરી ગામ નજીક હાઈવે પર અચાનક બસ મૂકીને સ્થળ પરથી ચાલ્યો ગયો હતો. આ ઘટનાના કારણે બસમાં સવાર મુસાફરોને ગંભીર અગવડતા વેઠવી પડી હતી તેમજ સંસ્થાના નિયમિત સંચાલનમાં વિક્ષેપ ઊભો થયો હતો. આ પ્રકારની ગંભીર બેદરકારીથી સંસ્થાની પ્રતિષ્ઠાને પણ આંચ પહોંચતી હોવાનું હુકમમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
એસટી વિભાગ દ્વારા લેવાયેલી આ કડક કાર્યવાહી બાદ ફરજ પર બેદરકારી દાખવનાર કર્મચારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. એસટી વિભાગે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ફરજમાં લાપરવાહી ચલાવી લેવામાં નહીં આવે અને આવા કિસ્સાઓમાં કડક પગલાં લેવામાં આવશે.