Shinor

શિનોર તાલુકાના સાધલી ગામે દારૂબંધી માત્ર કાગળ પર જ હોવાનો આક્ષેપ

મુખ્ય માર્ગો પર ખુલ્લેઆમ દારૂ પીવાના દ્રશ્યો, તંત્રની નિષ્ક્રિયતા સામે પ્રશ્નો

શિનોર:
શિનોર તાલુકાના સાધલી ગામે ગાંધીના ગુજરાતની દારૂબંધી માત્ર કાગળ પર જ અમલમાં હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે. ગામમાં બુટલેગરો તેમજ દારૂ પીવનારા લોકો બેફામ બન્યા હોય તેમ જણાઈ રહ્યું છે અને તેમને પોલીસનો કોઈ ભય ન હોય તે રીતે ખુલ્લેઆમ દારૂ પીતા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
થોડા દિવસ અગાઉ સાધલી ગામના પંચવટી ગાર્ડન વિસ્તારમાં વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવ્યાના સમાચારો પ્રકાશમાં આવ્યા હતા. આ ઘટનાની ચર્ચા હજુ શમાઈ નથી ત્યાં પંચવટી ગાર્ડનની સામે આવેલા મુખ્ય માર્ગ પર ફરીથી વિદેશી દારૂની ખાલી બોટલો પડેલી જોવા મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
રસ્તા પર પડેલી એક બોટલના કાચ તૂટી ગયેલા હોવાથી ત્યાંથી પસાર થતા સ્કૂલ જતા બાળકો તથા રાહદારીઓ માટે ગંભીર જોખમ સર્જાયું હતું. તૂટી ગયેલા કાચ વાગવાની સંભાવનાને કારણે અકસ્માતનો ભય પણ ઉભો થયો હતો.
આ વચ્ચે એક જાગૃત નાગરિક દ્વારા રસ્તા પર પડેલી દારૂની બોટલો ઉઠાવી કચરામાં નાંખી સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. તેમ છતાં, ગામમાં ખુલ્લેઆમ વિદેશી દારૂની હેરાફેરી અને સેવન થતું હોવા છતાં તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી ન થતી હોવાને લઈને ગ્રામજનોમાં રોષ ફેલાયો છે.
ગ્રામજનો દ્વારા દારૂબંધીના કડક અમલ માટે તંત્ર તથા પોલીસ વિભાગ તાત્કાલિક અને દૃઢ પગલાં લે તેવી માંગ ઉઠી રહી છે.

રિપોર્ટર: અમિત સોની

Most Popular

To Top