અમદાવાદ : ગુજરાત એટીએસ અને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે સંયુક્ત રીતે બાળ તસ્કરી કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. જેમાં હિંમતનગર થી 3.60 લાખમાં ખરીદાયેલું 15 દિવસનું બાળક હૈદરાબાદમાં આપવા જતા એક મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ ગુજરાત એટીએસની ટીમને બાતમી મળી હતી. જેના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને એટીએસની ટીમ સંયુક્ત રીતે શહેરના એરપોર્ટ વિસ્તારમાં એરપોર્ટની બાઉન્ડ્રી વોલ નજીક કોતલપુર પંપીંગ સ્ટેશન પાસે હિંમતનગર તરફથી આવી રહેલી કારને અટકાવી તેમાં તપાસ કરતા એક વ્યક્તિ પાસે 15 દિવસનું નવજાત બાળક મળી આવ્યું હતું. પોલીસે બાળકને જપ્ત કરી મહિલા સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. જપ્ત કરેલા નવજાત બાળકને તબીબી નિરીક્ષણ માટે બાળ હેલ્થ ઓફિસરને સોંપવામાં આવ્યું છે. પોલીસે બાળ તસ્કરી મામલે આરોપી વંદના જીગરભાઈ પંચાલ ઉં.વ.34 રહે, મુકેશનગર સોસાયટી, ઓઢવ- મૂળ રહેવાસી ઉત્તરપ્રદેશ, અયોધ્યા., રોશન ઉર્ફે સજ્જન મહાવીરપ્રસાદ અગ્રવાલ ઉં.વ.42 રહે, હૈદરાબાદ તેલંગાણા- મૂળ રહેવાસી ઝુઝુનું રાજસ્થાન., સુમિત બચ્ચનભાઈ યાદવ ઉં.વ.27 રહે, બીજલ હોમ્સ વટવા,- મૂળ રહેવાસી સુલતાનપુર ઉત્તર પ્રદેશની ધરપકડ કરી હતી.
પોલીસે આરોપીઓ પાસેથી રોકડા 10,050, ચાર મોબાઈલ ફોન, એક કાર જપ્ત કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીની પૂછપરછ કરતા એવી હકીકત બહાર આવી હતી કે, આ બાળકને હિંમતનગરમાંથી મુન્નું નામના વ્યક્તિ પાસેથી 3.60 લાખમાં ખરીદ્યું હતું, અને આ બાળકને હૈદરાબાદમાં નાગરાજ નામના એજન્ટને આપવા જઈ રહ્યા હતા. આ સમગ્ર મામલે પોલીસે બાળક વેચનાર અને ખરીદનાર વિરુદ્ધ ગુનો દાખલ કરી તેમની શોધખોળ શરૂ કરી છે. પોલીસે જપ્ત કરેલા નવજાત બાળકને તબીબી નિરીક્ષણ માટે બાળ હેલ્થ ઓફિસરને સોંપવામાં આવ્યું છે.