Vadodara

કરજણ પાસે ખાનગી ટ્રાવેલ્સની બસ ઉભેલી ટ્રકમાં ધડાકાભેર ઘુસતાં 2ના મોત, 10 ગંભીર રીતે ઘાયલ

NH-48 પર ધાવટ ચોકડી બ્રિજ પર ગમખ્વાર અકસ્માત
25થી વધુ મુસાફરોને રેસ્ક્યુ કરી બહાર કઢાયા
વડોદરા, તા. 30 :
વડોદરા જિલ્લાના કરજણ નજીક નેશનલ હાઈવે–48 પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ધાવટ ચોકડી બ્રિજ પર ખાનગી લક્ઝરી બસ હાઈવેની સાઈડમાં ઉભેલી ટ્રકમાં પાછળથી ધડાકાભેર ભટકાઈ જતા બે લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે 10 જેટલા મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ ઔરંગાબાદથી મુસાફરો લઈને અમદાવાદ તરફ જઈ રહેલી ‘જય ખોડિયાર ટ્રાવેલ્સ’ની બસ હાઈવે પર આગળ ઉભેલી ટ્રક નજરે ન પડતાં અકસ્માતનો ભોગ બની હતી. બસ ટ્રકમાં એટલી જોરથી અથડાઈ હતી કે બસના આગળના ભાગનો સંપૂર્ણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત બાદ બસમાં બેઠેલા મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને ચીચીયારીઓ સાથે બુમરાણ મચી ગઈ હતી.

અકસ્માતની જાણ થતાં કરજણ પોલીસ, ફાયર બ્રિગેડ તથા ઈમરજન્સી સેવાઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઇટરો દ્વારા બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. દોઢ કલાકની ભારે જહેમત બાદ 25થી વધુ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા. ઘાયલ થયેલા તમામ મુસાફરોને એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. કરજણ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બે મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top