ટુરિસ્ટ સ્લીપર બસ એસોસિએશનની કલેક્ટરને રજૂઆત
ટુ બાય ટુ બસો બંધ કરવાના નિયમથી નાના બસ માલિકો અને ટ્રાવેલ વ્યવસાય પર ગંભીર અસર થવાની શક્યતા
( પ્રતિનિધિ )વડોદરા,તા.29
ટુરિસ્ટ સ્લીપર બસ એસોસિએશન દ્વારા 2×2 સ્લીપર બસો પરના પ્રસ્તાવિત નિયમો સામે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ નિયમોથી નાના બસ માલિકો અને ટ્રાવેલ વ્યવસાય પર ગંભીર અસર થવાની શક્યતા હોવાનું જણાવી, એસોસિએશને તાત્કાલિક હસ્તક્ષેપની માંગ સાથે નવી કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.

2×2 સ્લીપર બસો પર લાગુ થવા જઈ રહેલા પ્રસ્તાવિત નિયમોને લઈને ટુરિસ્ટ સ્લીપર બસ એસોસિએશન દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. જિલ્લા કલેકટર કચેરી ખાતે એસોસિએશનના પ્રમુખ ધર્મેશ દરજી, ચિરાગ પટેલ, વિશાલ પટેલ, જૈમીન શાહ સહિતના બસ સંચાલકો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. દેશમાં હાલમાં બે પ્રકારની સ્લીપર બસો કાર્યરત છે. એક 2×1 સ્લીપર બસો, જે નિયમિત લાંબા અંતરના વાણિજ્યિક રૂટ પર ચાલે છે, અને બીજી 2×2 સ્લીપર બસો, જે વર્ષમાં ફક્ત એકથી બે સીઝન દરમિયાન જ ચાલે છે અને મુખ્યત્વે હિન્દુ ધાર્મિક યાત્રાધામો માટે ઉપયોગમાં લેવાય છે. એસોસિએશનના આગેવાનોએ જણાવ્યું હતું કે, તાજેતરમાં રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં થયેલા અકસ્માતોમાં 2×1 સ્લીપર બસો સામેલ હતી, જ્યારે 2×2 સ્લીપર બસોનો તેમાં કોઈ સમાવેશ નથી.આવી સ્થિતિમાં બંને પ્રકારની બસો પર સમાન નિયમો લાગુ કરવાથી તથ્યોની અવગણના થાય છે અને નાના બસ માલિકો તથા ટ્રાવેલ એજન્ટોને અન્યાયી રીતે નિશાન બનાવવામાં આવે છે.સંચાલકોનું કહેવું છે કે, હિન્દુ તીર્થસ્થળો માટે બસ પ્રવાસ સૌથી સસ્તો, સલામત અને સુલભ પરિવહન સાધન છે, અને જો આ નિયમો અમલમાં આવશે તો અનેક લોકોની રોજગારી પર સીધી અસર પડશે.આથી એસોસિએશને સરકાર પાસે તાત્કાલિક હસ્તક્ષેપ કરી પ્રસ્તાવિત નિયમો પર પુનર્વિચાર કરવાની માંગ કરી છે.