સંઘના સ્વયં સેવકોને મળ્યું સંગઠનમાં વિશેષ સ્થાન
વડોદરા :
ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર સંગઠન દ્વારા વિવિધ મોરચાઓ તથા સંગઠનના મહત્વપૂર્ણ વિભાગોની નવી વરણી જાહેર કરવામાં આવી છે. આ વરણી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ નેતૃત્વ સાથે ચર્ચા-વિચારણા બાદ કરવામાં આવી હોવાનું જણાવાયું છે. સંઘ સાથે સંકળાયેલા સ્વયં સેવકોને સંગઠનમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

જાહેર કરાયેલ યાદી અનુસાર અનુસૂચિત જાતિ મોરચા, અનુસૂચિત જન જાતિ મોરચા, લઘુમતી મોરચા, યુવા મોરચા, મહિલા મોરચા, કિસાન મોરચા તેમજ બક્ષીપંચ (ઓબીસી) મોરચાના પ્રમુખ, મહામંત્રી અને અન્ય હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. ઉપરાંત મહાનગર સંગઠનના ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી, કોષાધ્યક્ષ તેમજ મીડિયા વિભાગના જવાબદારોની પણ જાહેરાત કરવામાં આવી છે.

પાર્ટી સૂત્રો મુજબ, સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી અનુભવી તેમજ સક્રિય કાર્યકર્તાઓને જવાબદારી સોંપવામાં આવી છે. દરેક મોરચા અને વિભાગને પોતાના મંડળ તથા વોર્ડ સ્તરે સંગઠનાત્મક કામગીરી તેજ બનાવવાની સૂચના આપવામાં આવી છે.

નવનિયુક્ત હોદ્દેદારોએ પાર્ટી પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરી જણાવ્યું હતું કે, વડોદરા મહાનગરમાં સંગઠનને વધુ સક્રિય, લોકસંપર્ક વધારનાર અને સરકારની યોજનાઓને જનજન સુધી પહોંચાડવા માટે તેઓ સંપૂર્ણ સમર્પણ સાથે કાર્ય કરશે.
પાર્ટીના મહાનગર અધ્યક્ષ દ્વારા તમામ નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી તથા સંગઠનાત્મક એકતા સાથે આગામી સમયમાં જવાબદારી નિભાવવા અપીલ કરવામાં આવી હતી.