UGCએ 13 જાન્યુઆરીના રોજ તેના નવા નિયમોને નોટિફાય કર્યા હતા. તેનું નામ છે- ‘પ્રમોશન ઓફ ઇક્વિટી ઇન હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન રેગ્યુલેશન્સ, 2026.’ આ અંતર્ગત, કોલેજો અને યુનિવર્સિટીઓમાં જાતિ આધારિત ભેદભાવ રોકવા માટે વિશેષ સમિતિ, હેલ્પલાઇન અને મોનિટરિંગ ટીમો બનાવવાની સૂચનાઓ આપવામાં આવી છે. આ ટીમો ખાસ કરીને SC, ST અને OBC વિદ્યાર્થીઓની ફરિયાદો જોશે. સરકારનું કહેવું છે કે આ ફેરફારો ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં નિષ્પક્ષતા અને જવાબદારી લાવવા માટે કરવામાં આવ્યા છે. જોકે, નિયમોને જનરલ કેટેગરી વિરુદ્ધ ગણાવીને વિરોધ થઈ રહ્યો છે. ટીકાકારોનું કહેવું છે કે સવર્ણ વિદ્યાર્થીઓ ‘સ્વાભાવિક ગુનેગાર’ બનાવી દેવામાં આવ્યા છે. જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓનું કહેવું છે કે નવા નિયમો કોલેજ કે યુનિવર્સિટી કેમ્પસમાં તેમની વિરુદ્ધ ભેદભાવને પ્રોત્સાહન આપી શકે છે. આનાથી કોલેજોમાં અરાજકતા પેદા થશે.
દેશભરમાં જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ અને સવર્ણ જાતિના લોકોનો યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના નવા નિયમોને લઈને વિરોધ તેજ બન્યો છે. નવી દિલ્હીમાં UGC હેડક્વાર્ટરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. પ્રદર્શનકારીઓને કેમ્પસની અંદર પ્રવેશતા રોકવા માટે મોટી સંખ્યામાં બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશના લખનૌ, રાયબરેલી, વારાણસી, મેરઠ, પ્રયાગરાજ અને સીતાપુરમાં વિદ્યાર્થીઓ, યુવાનો અને વિવિધ સંગઠનોએ ઠેર ઠેર પ્રદર્શનોમાં ભાગ લીધો. રાયબરેલીમાં ભાજપના કિસાન નેતા રમેશ બહાદુર સિંહ અને ગૌરક્ષા દળના અધ્યક્ષ મહેન્દ્ર પાંડેયે સવર્ણ સાંસદોને બંગડીઓ મોકલી છે.
યુપીમાં બરેલીના સિટી મેજિસ્ટ્રેટ અલંકાર અગ્નિહોત્રીએ નવા નિયમોના વિરોધમાં રાજીનામું આપી દીધું છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ બાબતે જણાવ્યું હતું કે કોઈને પણ આનો દુરુપયોગ કરવાનો અધિકાર રહેશે નહીં. કોઈની પણ સાથે અત્યાચાર કે ભેદભાવ થશે નહીં. બીજી તરફ, આ નિયમ વિરુદ્ધ વિનીત જિંદલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજીમાં નિયમ પર રોક લગાવવાની, તમામ વિદ્યાર્થીઓ માટે સમાન તકો પૂરી પાડવાની અને ઇક્વિટી હેલ્પલાઇન સુવિધાઓ આપવાની માગ કરવામાં આવી છે. આ વિરોધ માત્ર એટલા માટે વિકરાળ બન્યો છે કારણ કે, ડગલેને પગલે અભ્યાસ અને નોકરી કે પછી પ્રમોશનમાં અન્યાય થઇ રહ્યો હોવાની લાગણી સવર્ણો અનુભવી રહ્યાં છે.
યુજીસીનો વિરોધ કરી રહેલા સવર્ણ આંદોલનકારીઓનો મુખ્ય તર્ક એ છે કે યુજીસીની વર્તમાન ‘રોસ્ટર સિસ્ટમ’ (200 પોઈન્ટ રોસ્ટર) અને વિભાગવાર ભરતીની પદ્ધતિને કારણે સામાન્ય વર્ગ માટેની જગ્યાઓ સતત ઘટતી જાય છે. ઘણી યુનિવર્સિટીઓમાં એવી સ્થિતિ સર્જાય છે કે ઉચ્ચ શૈક્ષણિક લાયકાત અને વર્ષોનો અનુભવ હોવા છતાં, સવર્ણ ઉમેદવાર માટે એક પણ જગ્યા ખાલી હોતી નથી. જ્યારે શિક્ષણ જેવી સંસ્થામાં ‘શ્રેષ્ઠતા’ (Excellence) પ્રાથમિકતા હોવી જોઈએ, ત્યારે જાતિગત સમીકરણોને વધુ મહત્વ મળતા શૈક્ષણિક સ્તર કથળી રહ્યું હોવાની આશંકા સેવવામાં આવી રહી છે.
સવર્ણ સંગઠનોનો આક્ષેપ છે કે પીએચ.ડી. અને નેટ (NET) જેવી અઘરી પરીક્ષાઓ પાસ કર્યા પછી પણ, જ્યારે પ્રોફેસરની ભરતીની વાત આવે છે ત્યારે મેરિટ યાદીમાં ટોચ પર હોવા છતાં સામાન્ય વર્ગના ઉમેદવારોને બહાર રાખવામાં આવે છે. આ ‘બ્રેઈન ડ્રેઈન’નું મુખ્ય કારણ બની રહ્યું છે, જ્યાં દેશની પ્રતિભા વિદેશ તરફ પલાયન કરી રહી છે. EWS અનામતનો લાભ પણ ખૂબ જ મર્યાદિત છે. કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટે 10% અનામતની જોગવાઈ કરવામાં આવી છે, પરંતુ યુજીસી અને યુનિવર્સિટીઓ દ્વારા તેના અમલીકરણમાં ઘણી વહીવટી ખામીઓ જોવા મળે છે.
ઘણીવાર બેઠકોની ગણતરીમાં એવી રીતે ફેરફાર કરવામાં આવે છે કે સવર્ણ ગરીબોને તેનો વાસ્તવિક લાભ મળતો નથી. જ્યારે અન્ય એક અન્યાયની વાત કરીએ તો તે છે ડિ રિઝર્વેશન. તાજેતરમાં જ્યારે યુજીસીએ એવી દરખાસ્ત મૂકી કે જો અનામત વર્ગના યોગ્ય ઉમેદવારો ન મળે તો તે બેઠકો સામાન્ય વર્ગથી ભરી શકાય, ત્યારે મોટો રાજકીય વિવાદ થયો. સરકારે દબાણમાં આવીને આ નિર્ણય પાછો ખેંચ્યો, જેનાથી સવર્ણ વર્ગમાં એવો સંદેશ ગયો કે સરકાર લાયકાત કરતા વોટબેંકના રાજકારણને વધુ મહત્વ આપી રહી છે. શૈક્ષણિક સ્વાયત્તતા પર પણ જોખમ છે. યુનિવર્સિટીઓ એ જ્ઞાનના મંદિરો છે, જેણે સમાજને દિશા આપવાની હોય છે.
જો અહીં પણ જાતિગત વિભાજન ઉગ્ર બનશે, તો સંશોધન અને શિક્ષણનું વાતાવરણ દૂષિત થશે. સવર્ણ વર્ગના આંદોલનકારીઓનું કહેવું છે કે અનામતની સીમા 50% થી વધી રહી છે, જેના કારણે ઓપન કેટેગરીના ઉમેદવારો માટે સ્પર્ધા અશક્ય બની રહી છે. આ સ્થિતિ સામાજિક અસંતોષને જન્મ આપે છે, જે લાંબા ગાળે દેશની એકતા માટે જોખમી સાબિત થઈ શકે છે. સંતુલિત ઉકેલની માંગ પણ વારંવાર ઉઠતી રહે છે. કોઈપણ લોકશાહીમાં સામાજિક ન્યાય અનિવાર્ય છે, પરંતુ તે ન્યાય બીજા કોઈ વર્ગ સાથેના અન્યાય પર આધારિત ન હોવો જોઈએ. યુજીસીએ આ વિવાદ ઉકેલવા માટે નીચે મુજબના પગલાં લેવા જોઈએ. પારદર્શક રોસ્ટર સિસ્ટમની માંગણી પણ લાંબા સમયથી ઉઠી રહી છે.
ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવી જોઈએ જેથી દરેક વર્ગના ઉમેદવારને ખબર પડે કે કયા આધારે પસંદગી થઈ રહી છે. શૈક્ષણિક માપદંડોમાં બાંધછોડ કરીને સવર્ણોને થતાં અન્યાયનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. સવર્ણોની દલીલ છે કે, ભલે અનામત અમલમાં હોય, પરંતુ ન્યૂનતમ શૈક્ષણિક લાયકાતમાં બાંધછોડ ન કરવી જોઈએ જેથી શિક્ષણનું સ્તર જળવાય રહે. સરકારે અને યુજીસીએ સવર્ણ પ્રતિનિધિઓ સાથે સંવાદ સાધવો જોઈએ અને તેમની વ્યાજબી ચિંતાઓનું નિરાકરણ લાવવું જોઈએ.