ઠંડીમાં ઠરતા નિરાધારો ફૂટપાથ પર અને કોન્ટ્રાક્ટરોની તિજોરીઓ કાગળ પરની સુવિધાઓથી છલકાઈ; સ્ટેટ વિજિલન્સ તપાસની ઉઠી માંગ




વડોદરા મહાનગરપાલિકાના યુસીડી પ્રોજેક્ટ હેઠળ કાર્યરત શેલ્ટર ફોર અર્બન હોમલેસ કેન્દ્રોમાં વ્યાપક ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર ચાલતો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. નગરજનોના ટેક્સના કરોડો રૂપિયા ગરીબોની સુવિધા પાછળ ખર્ચવાને બદલે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતથી ખોટા માર્ગે વાપરવામાં આવતા હોવાના પુરાવા મળતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.
શહેરના નવાયાર્ડ, ગોરવા, લાલબાગ, વિશ્વામિત્રી, સોમા તળાવ, અક્ષર ચોક, વડસર બ્રિજ અને અટલાદરા વિસ્તારમાં ઘરવિહોણા લોકો માટે કુલ 8 શેલ્ટર હોમ્સ આવેલા છે. વર્ષ 2023માં આ કેન્દ્રોના સંચાલન માટે ‘જ્યોતિ સામાજિક સેવા સંસ્થા’ અને ‘માં આસ્થા સામાજિક વિકાસ સેવા સંસ્થા’ને કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા. ચોંકાવનારી વિગત એ છે કે આ સંસ્થાઓના કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયા હોવા છતાં, કોઈ પણ ચોક્કસ દેખરેખ વગર માત્ર કાગળ પર કામગીરી બતાવીને ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે.
શેલ્ટર હોમની અંદરની સ્થિતિ અત્યંત દયનીય છે. ગરીબ અને નિઃસહાય લોકો તૂટેલા પલંગ અને ફાટેલા ગાદલા પર સૂઈ રહ્યા છે. અનેક જગ્યાએ પંખાઓ બંધ હાલતમાં છે અથવા તો ચોરી થઈ ગયા છે. શૌચાલયોમાં પુષ્કળ ગંદકી અને અસહ્ય દુર્ગંધને કારણે ગરીબોના સ્વાસ્થ્ય સામે પણ ખતરો ઊભો થયો છે.
આ ગંભીર બેદરકારી સામે હવે એવી માંગ ઉઠી છે કે આ સમગ્ર કૌભાંડની સ્ટેટ વિજિલન્સ દ્વારા તપાસ કરવામાં આવે. કાગળ પર ખોટી કામગીરી બતાવતી સંસ્થાઓને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરી જવાબદાર અધિકારીઓ સામે કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવે. જો વડોદરાના મેયર, મ્યુનિસિપલ કમિશનર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી નહીં કરે તો આગામી દિવસોમાં મોટા જન-આંદોલન કરવામાં આવશે તેવું સામાજિક કાર્યકર કમલેશ પરમારે જણાવ્યું હતું.
:- કાગળ પરનો સ્ટાફ ગાયબ…
શેલ્ટર હોમ્સની સ્થિતિનું નિરીક્ષણ કરતા જાણવા મળ્યું છે કે દસ્તાવેજોમાં સુરક્ષા ગાર્ડ, સફાઈ સેવક, શિફ્ટ વાઈઝ મેનેજર અને સુપરવાઈઝર જેવો મોટો સ્ટાફ હોવાનું દર્શાવવામાં આવે છે. પરંતુ વાસ્તવિકતામાં:
*આખા કેન્દ્ર પર માત્ર બે જ વ્યક્તિઓ 24 કલાક કામ કરે છે, જેમને અત્યંત ઓછો પગાર આપવામાં આવે છે.
*રસ્તા પરથી ગરીબોને શેલ્ટર હોમ સુધી લાવવા માટે વાહનોનો મોટો ખર્ચ બતાવવામાં આવે છે, છતાં લોકો બહાર ફૂટપાથ પર સૂવા મજબૂર છે.
*રાત્રિના સમયે મોટાભાગનો સ્ટાફ ગેરહાજર હોય છે, જેના કારણે ગરીબ લોકો રામભરોસે રહે છે.