Vadodara

વડોદરા : નેશનલ હાઈવે પર અકસ્માતોની વણઝાર, ત્રણ ઘટનામાં ત્રણ મોત

છાણી જીએસએફસી સર્વિસ રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું મોત

વડોદરા, તા. 28
વડોદરા શહેરમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર ઓવર સ્પીડ અને બેદરકારીપૂર્વક વાહન ચલાવવાના કારણે અકસ્માતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. છેલ્લા બે દિવસમાં હાઈવે પર ત્રણ અલગ અલગ ગમખ્વાર અકસ્માત સર્જાયા, જેમાં બે યુવકોના મોત થયા છે અને એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.
પ્રથમ બનાવમાં, 27 જાન્યુઆરીની રાત્રે પોર બ્રિજ પાસે બે બાઈક સામસામે ટકરાતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બંને બાઈકના ફૂરચા ફૂરચા થઈ ગયા હતા. આ અકસ્માતમાં પોર, નવી નગરીમાં રહેતા રાકેશ પાટણવાડીયા ગંભીર રીતે ઘવાયા હતા અને ઘટનાસ્થળે જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. મૃતદેહને પોર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. જ્યારે અન્ય બાઈક સવારને સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વરણામા પોલીસે ગુનો નોંધાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બીજા બનાવમાં, 28 જાન્યુઆરીના રોજ નેશનલ હાઈવે પર સુંદરપુરા ગામ નજીક પૂરઝડપે આવતી કારએ બાઈકને જોરદાર ટક્કર મારતા બાઈક સવાર હવામાં ફંગોળાઈને લગભગ 20 ફૂટ દૂર રોડની બાજુમાં આવેલી ખાઈમાં પટકાયો હતો. ગંભીર ઇજાઓને કારણે બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતના કારણે રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક લોકોએ કાર ચાલકને પકડીને પોલીસને સોંપ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
ત્રીજા બનાવમાં, છાણી જીએસએફસી સર્વિસ રોડ પર અજાણ્યા વાહન ચાલકે એક યુવકને ધડાકાભેર ટક્કર મારી હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત થયું હતું. ઘટનાની જાણ થતા છાણી પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
વડોદરા શહેર અને જિલ્લામાં વધતા અકસ્માતો ચિંતા જનક બન્યા છે. ઓવર સ્પીડ અને ટ્રાફિક નિયમોની અવગણનાથી નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે, ત્યારે વાહનચાલકોએ વધુ સાવચેતી રાખવાની જરૂરિયાત ઊભી થઈ છે.

Most Popular

To Top