રસિક પ્રજાપતિ પ્રદેશમાં જતા ખાલી પડેલી બેઠક માટે દાવેદારોનો ધસારો; જિલ્લાના તમામ ધારાસભ્યોએ વન-ટુ-વન આપ્યા મંતવ્યો.
વડોદરા:; જિલ્લા ભાજપ સંગઠનમાં ખાલી પડેલી પ્રમુખ પદની ખુરશી માટે આજે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. વર્તમાન પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિની પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ તરીકે નિમણૂક થયા બાદ, નવા પ્રમુખની વરણી માટેની કવાયત તેજ કરવામાં આવી છે. જે અંતર્ગત આજે સયાજીપુરા સ્થિત સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ દ્વારા નિમણૂક કરાયેલા નિરીક્ષકોની ઉપસ્થિતિમાં ‘સેન્સ’ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
સયાજીપુરા સર્કિટ હાઉસ ખાતે આવેલા નિરીક્ષકોએ એક પછી એક ધારાસભ્યો અને પદાધિકારીઓ સાથે વ્યક્તિગત મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન આગામી સમયમાં જિલ્લાના રાજકીય સમીકરણો અને જ્ઞાતિગત પરિબળોને ધ્યાનમાં રાખીને કેવા પ્રકારના નેતૃત્વની જરૂર છે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. નિરીક્ષકો દ્વારા મેળવવામાં આવેલી આ સેન્સનો રિપોર્ટ હવે પ્રદેશ મોવડીમંડળને સોંપવામાં આવશે, જેના આધારે આખરી નામની જાહેરાત કરવામાં આવશે.
રસિક પ્રજાપતિના સ્થાને હવે કોણ? તે પ્રશ્ન કાર્યકરોમાં ચર્ચાનો વિષય બન્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભાજપ હાઈકમાન્ડ કોઈ એવા ચહેરાને પસંદ કરવા માંગે છે જે જિલ્લાના તમામ તાલુકાઓમાં સંગઠનને મજબૂત કરી શકે. પ્રમુખ પદની રેસમાં પૂર્વ ધારાસભ્યો અને સંગઠનના જૂના જોગીઓના નામ પણ ચર્ચામાં છે.
– ધારાસભ્યો અને અગ્રણીઓની હાજરી…
આ મહત્વપૂર્ણ પ્રક્રિયામાં જિલ્લાના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના હોદ્દેદારોએ હાજરી આપી હતી. જેમાં મુખ્યત્વે:
અક્ષય પટેલ (ધારાસભ્ય, કરજણ)
શૈલેષ મહેતા – ગુંડાભાઈ (ધારાસભ્ય, ડભોઈ)
ચૈતન્યસિંહ ઝાલા (ધારાસભ્ય, પાદરા)
ધર્મેન્દ્રસિંહ વાઘેલા (ધારાસભ્ય, વાઘોડિયા)
સતીશ નિશાળિયા (પૂર્વ જિલ્લા પ્રમુખ)
આ ઉપરાંત જિલ્લા પંચાયતના હોદ્દેદારો અને સંગઠનના અન્ય કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.