Vadodara

પાણીગેટ વિસ્તારમાં મોડી રાત્રે ખુની ખેલ, પત્નીના પૂર્વ પતિની ચાકુના ઘા ઝીંકી હત્યા

પાણીગેટ પોલીસ સાથે DCB, PCB અને LCBની ટીમો એક્શનમાં, હત્યારો ગણતરીના કલાકોમાં ઝડપાયો
વડોદરા, તા. 28
સંસ્કારી નગરી તરીકે ઓળખાતી વડોદરામાં વધુ એક હત્યાની ગંભીર ઘટના સામે આવી છે. પાણીગેટ વિસ્તારમાં મંગળવારે મોડી રાત્રે પ્રેમ સંબંધોને લઈને સર્જાયેલા ઝઘડામાં એક યુવકની ચાકુ વડે કરપીણ હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, પાણીગેટના રાજારાણી તળાવ વિસ્તારમાં રહેતા મોહમ્મદ સૈયદના લગ્ન વર્ષ 2016માં મુસ્કાન નામની યુવતી સાથે થયા હતા અને તેમને એક સંતાન પણ છે. લગ્નના થોડા સમય બાદ મોહમ્મદ સૈયદને પોતાની પત્નીના અન્ય યુવક સાથે સંબંધ હોવાની જાણ થતાં બંને વચ્ચે વિવાદ થયો હતો. અંતે બે વર્ષ બાદ બંને વચ્ચે કાયદેસરના છૂટાછેડા થયા હતા. અદાલતના આદેશ મુજબ સંતાનની ભરણપોષણની જવાબદારી માતા મુસ્કાને સ્વીકારી હતી, જ્યારે પિતાને તહેવાર દરમિયાન બાળકને મળવાની પરવાનગી આપવામાં આવી હતી.
છૂટાછેડા બાદ મુસ્કાને પાણીગેટ વિસ્તારમાં રહેતા વિશાલ કહાર નામના યુવક સાથે વિધિવત રીતે લગ્ન કર્યા હોવાનું જાણવા મળ્યું છે. 27 જાન્યુઆરીની રાત્રે અચાનક વિશાલ કહાર પાણીગેટ વિસ્તારમાં પહોંચ્યો હતો. તે સમયે મોહમ્મદ સૈયદ ત્યાં આવતા બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. ઝઘડામાં ઉશ્કેરાયેલા વિશાલ કહારે મોહમ્મદ સૈયદ પર ઉપરાછાપરી ચાકુના ચાર ઘા ઝીંકી દીધા હતા.

ગંભીર રીતે ઘાયલ થયેલા મોહમ્મદ સૈયદ લોહીલુહાણ હાલતમાં જમીન પર ફસડાઈ પડ્યા હતા. ઘટનાસ્થળે લોહીના ધબ્બાઓ જોવા મળ્યા હતા. હત્યાની વાત વાયુવેગે ફેલાતાં મોડી રાત્રે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જ પાણીગેટ પોલીસ સાથે DCB, PCB અને LCBની અલગ અલગ ટીમો એક્શનમાં આવી ગઈ હતી. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા મોહમ્મદ સૈયદને એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.
હત્યા બાદ આરોપી વિશાલ કહાર ફરાર થઈ ગયો હતો. જોકે, પોલીસે ઝડપી કાર્યવાહી કરતાં ગણતરીના કલાકોમાં સમા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાંથી આરોપી વિશાલ કહારને ઝડપી પાડ્યો હતો. હાલ પાણીગેટ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top