Comments

આંધળું અનુકરણ વિચારહીન છે

આ પૃથ્વી ઉપર ૮૪ લાખ અવતાર છે તેમ કહેવાય છે, પણ આમાંથી માણસ એક જ એવું જૈવિક એકમ છે કે, જે વારસાગત રીતે જીવન જીવવાની સારી અને વધુ સારી પદ્ધતિ પોતાનાં વારસદારોને આપતો જાય છે. આ પ્રક્રિયામાંથી આપણે ભાષા, કુટુંબના વ્યવહાર, સમાજધર્મ, વિજ્ઞાન અને તકનિક અપનાવી શક્યાં છીએ. વડીલોને માન આપી ધર્મ અને કુટુંબને જાળવી શક્યાં છીએ. વારસા દ્વારા વર્તન પુનરાવર્તન કરતાં પેઢી-દર પેઢી માણસમાં સર્જનશીલતા વિકસાવી શક્યાં છીએ. આત્મવિશ્વાસ વિકસતાં થયાં છીએ.

પરંતુ ક્યારેક બને છે એવું કે, દેખાદેખીમાં માણસ પોતાને અનુકૂળ ન હોય, પોતાના સમાજની પરંપરાને અનુરૂ૫ ન હોય તેવું વર્તન અપનાવી લે છે. માણસે બીજા પાસેથી જરૂરથી કંઈ શીખવાનું છે પણ પોતાને અનુકૂળ હોય તેવું માત્ર દેખાદેખીથી અપનાવી આંધળું અનુકરણ કરવાનું નથી. ‘ઘર બાળીને તીરથ ન થાય’ તેવું કહેવતમાં તો કહેવાયું છે, પણ ટેલિવિઝન અને મોબાઈલમાં વાયરલ થયેલ રીલની ફેશનમાં દેખાતા સામાજિક વ્યવહારોથી નાગરિકો દોરવાઈ જાય છે અને જાત-ભાતની ચીજ વસ્તુઓની લોભામણી જાહેરાતો કુટુંબને બિનજરૂરી ખર્ચના ખાડામાં ધકેલે છે.

દેખાદેખીવશાત્ મા-બાપ બાળકોને અંગ્રેજી માધ્યમની શાળામાં ભણાવે છે. બાળકોને અંગ્રેજી શાળામાં મૂક્તાં પહેલાં વિચારીએ! તમે પોતે શાળામાં અંગ્રેજી ભણ્યા છો? તમે ઘરમાં અંગ્રેજી બોલો છો? તમારા બાળકને અંગ્રેજી ભાષામાં વિજ્ઞાન અને ગણિત ભણાવી શકે છે? જો આનો જવાબ તમારી પાસે ન હોય તો તમારા વ્હાલસોયા બાળકને અંગ્રેજી ભણાવવાનું આંધળું અનુકરણ ન કરશો. મા બોલે તે માતૃભાષા એવી સુંદર ઉપાધિ ગુજરાતી ભાષાને મળી છે. તો બાળકને માતૃભાષામાં જ ભણવા દો, વિકસવા દો. તમારું બાળક મોટું થતાં કડકડાટ અંગ્રેજી બોલતાં શીખી જશે.

આજકાલ દેખાદેખીમાં શનિ-રવિની રજાઓમાં બજારની હોટલ અને લારીનું ફાસ્ટફુડ ખાવાનો ચસકો દેખાય છે. રેફ્રિજરેટરમાં દિવસોથી રાખી મૂકેલા ને સુગંધી મસાલાથી ભરપૂર જંકફુડથી ઘરનાં સભ્યોનું પેટ બગડે છે અને મોંઘવારીમાં માંદા પડવું તે કસોટીરૂપ જ બની જાય છે. આથી બહેનો બહારનું ખાવા કરતાં ઘરમાં જ થોડી વધુ મહેનત કરી તમારી સર્જનશક્તિ વધારી ભાવતાં ભોજન તૈયાર કરો ને! તમારાં કુટુંબીજનોને સ્નેહથી બાંધી રાખો ને!

કપડાં અને ઘરેણાં બહેનોની દુખતી રગ છે. પડોશીમાં કોઈએ સીફોનની સાડી ખરીદી એટલે તમને પણ ખરીદવાનું મન થાય. રેખાબહેન બગસરાનાં ઘરેણાં લાવે એટલે માયાબહેન પણ પતિ સાથે ઝઘડો કરીને ઘરેણું વસાવે. પડોશમાં ટી.વી. આવ્યું એટલે આપણે પણ વસાવો. દેરાણીએ લગ્ન પ્રસંગમાં ૫૦ માણસને નિમંત્રણ પાઠવ્યું તે જેઠાણીએ પણ એમ જ કરવાનું! ના…આવું ન કરાય. કહેવત છે ને, પછેડી હોય એટલી સોડ તણાય’ અને આમ પણ આવું આંધળું અનુકરણ શાથી? કોઈ કૂવામાં પડે-દેવું કરી ઘી પીવે એટલે તમાચો મારી ગાલ લાલ રાખવાનું કોઈ કારણ નથી. આંધળા અનુકરણના બદલે વિવેકથી તમારી જરૂરિયાતને શાંતિથી જોઈ અનુસરો.

બધાના ઘરની સ્થિતિ જુદી-જુદી હોય છે. બધાની જરૂરિયાતો પણ જુદી-જુદી હોય છે. ઘરમાં પુરુષ-પિતા ભાઈ-બહેનોનું ભણતર-નોકરી-વ્યવસાય કે આર્થિક આવકનું સ્તર જૂદું જૂદું હોય છે. આથી ઘરનું સંચાલન સારા-સાર વિવેકથી કરીએ. બે ટંકનું ભોજન-કપડાં અને મકાન એ આજના સમયમાં પ્રથમ ક્રમે આવતી જરૂરિયાત છે. તે પછી શિક્ષણ અને આરોગ્યની સંભાળ કે વિકાસ અગત્યની બાબત બને છે. પ્રાથમિક જરૂરિયાતો પૂરી થાય તે પછી આર્થિક બચત પ્રત્યે ધ્યાન આપવું અનિવાર્ય બને છે. કારણ બચત જ સાચો મિત્ર બને છે.

સંકટ સમયનો સાથી બને છે. અહીંથી આગળ, તમારી આવડત વધે, તમે પોતે પગભર થાવ તે માટે ખ્યાલ રાખી છેવટે મોજશોખ સાથે સ્નેહ કેળવવો તે સ્વસ્થ સમાજ માટે જરૂરી બને છે. બહેનોએ તો પોતાનો વિકાસ કરવાનો છે. બાળઉછેર કરવાનો છે. પતિ સાચવવાના છે. સમાજમાં જોવા મળે છે કે ઘણાં ઘરોમાં પુરુષો દારૂ, તમાકુ કે જુગારના વ્યસની હોય છે ત્યારે વિશેષતઃ બહેનોનું જીવન સંઘર્ષમય બની જાય છે. આવા સમયે દેખાદેખીના બદલે બાળકોના ઉછેર પ્રત્યે કાળજી લેવી પડે છે. ઉપરાંત પોષણયુક્ત ખોરાક જરૂરી બને છે. જો આમ નહીં થાય તો વ્યક્તિનું માનસિક સમતુલન ખોરવાઈ જાય છે અને જાતે મધદરિયે ડૂબી જશો.

આંધળા અનુકરણથી મોટા દેખાવાનું ગમી જાય તેવો સરળ રસ્તો છે પણ તે જોખમી રસ્તો છે. સારી રીતરસમોનું અનુકરણ એ કેળવણી છે. શિક્ષણ છે. તેમાંથી સંસાર વિકસે છે અને સંસ્કૃતિ મજબૂત થાય છે પણ સમજ વિનાનું, વિચાર વિનાનું, ઘેંટાંનાં ટોળાં માફક વર્તન અંતે કુટુંબને વિનાશ આપે છે અને કહેવાય છે ને, એક વિચારશીલ સ્ત્રી બે કુટુંબોને તારે છે. પોતે સુખી થાય છે અને કુટુંબને પણ સુખી કરી આનંદિત રાખી ધરતી ઉપર સ્વર્ગ ઊતારી શકે છે.

હિતોપદેશમાં અંધ લોકો દ્વારા હાથીના વર્ણનની વાર્તા છે. આ અંધ એટલે વિચાર વગર, આચરણ કરતાં લોકો, તેમ સમજવું. આખુંયે મહાભારત ‘આંધળાનાં આંધળાં’ એવાં વચનોથી સર્જાયું તે ક્યાં અજાણ્યું છે! વાચકો આંધળું અનુકરણ આપણને “આંધળાનાં આંધળાં’ બનાવે છે અને આપણે આપણો સત્યાનાશ વ્હોરી લઈએ છીએ. આથી ચેતવા જેવું છે. કવિ ઉમાશંકરે લખ્યું છે, “હાથ-હૈયુ ને હેત આપ્યું પ્રભુ તે પૂરેપૂરું પછી બીજું શું જોઈએ.’ આખીયે વાતનો સાર એ છે કે, વિવેકશીલ બનો. વિચારીને આચરણ કરો અને ક્યારે પણ આપણી પ્રકૃતિને અનુરૂપ ન હોય તેવું વર્તન-વ્યવહાર ઉછીનાં ન કરીએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top