₹60.28 કરોડના ખર્ચે 509 નવા આવાસોનું નિર્માણ થશે
પી.એમ. આવાસ યોજના 2.0 હેઠળ મધ્યમ વર્ગ માટે રાહત: કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી મળશે કુલ ₹3.50 લાખની સહાય; પાલિકાએ ટેન્ડર પ્રક્રિયાની તૈયારીઓ કરી તેજ
વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ભાયલી અને સેવાસીમાં ઘરવિહોણા મધ્યમવર્ગીય પરિવારો માટે ખુશીના સમાચાર આવ્યા છે. વડોદરા મહાનગરપાલિકાના એફોર્ડેબલ હાઉસિંગ વિભાગ દ્વારા કેન્દ્ર સરકારની ‘પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0’ અંતર્ગત શહેરના વિકસિત વિસ્તારોમાં 509 નવા આવાસો બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ માટે તંત્ર દ્વારા અંદાજે ₹60.28 કરોડના ખર્ચનું અનુમાન લગાવી વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરી દેવામાં આવ્યો છે.
આ યોજના અંગેની વિગતો આપતા જાણવા મળ્યું છે કે, એફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશીપ ઘટક હેઠળ ભાયલી અને સેવાસી વિસ્તારના અલગ-અલગ 4 પ્લોટ પર આ આવાસોનું નિર્માણ થશે. જેમાં ખાસ કરીને EWS-I અને EWS-II કેટેગરીના પરિવારોને ધ્યાનમાં રાખીને સુવિધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રોજેક્ટની વહીવટી પ્રક્રિયા અંગે માહિતી આપતા પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગત 29 ડિસેમ્બર 2025ના રોજ મળેલી સ્ટેટ લેવલ સેન્ક્શનિંગ એન્ડ મોનિટરિંગ કમિટીની બેઠકમાં આ દરખાસ્તને પ્રાથમિક મંજૂરી આપી દેવામાં આવી છે. હવે આગામી દિવસોમાં આ પ્રોજેક્ટ રિપોર્ટ કેન્દ્ર સરકારની સેન્ટ્રલ લેવલ મોનિટરિંગ કમિટી સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. કેન્દ્રની મંજૂરીની મહોર વાગતાની સાથે જ જે-તે પ્લોટ પર બાંધકામ માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
નાણાકીય સહાયની વાત કરવામાં આવે તો, આ યોજનામાં લાભાર્થી દીઠ કેન્દ્ર સરકાર તરફથી ₹1.5 લાખ અને રાજ્ય સરકાર તરફથી ₹2.00 લાખની આર્થિક સહાય મળવાપાત્ર રહેશે. સરકારની આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય વાર્ષિક ₹3.00 લાખ સુધીની આવક ધરાવતા અને શહેરમાં પોતાનું ઘર ન ધરાવતા પરિવારોને સસ્તા દરે મકાન ઉપલબ્ધ કરાવવાનો છે. આગામી સમયમાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી વહેલી તકે બાંધકામ શરૂ કરવાનું પાલિકાનું લક્ષ્ય છે, જેથી શહેરના જરૂરિયાતમંદ નાગરિકોનું “પોતાના ઘર” નું સ્વપ્ન પૂર્ણ થઈ શકે.