નકલી PSI મોબીન પટેલ સામે ભરૂચમાં વધુ એક ગુનો નોંધાયો
પ્રતિનિધિ, વડોદરા | તા. 27
ગાંધીનગર SITના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર તરીકે ખોટી ઓળખ આપી જમીનના કેસમાં ચુકાદો તમારા પક્ષમાં આવશે તેમ કહી દંપતિ પાસેથી રૂપિયા 1.05 કરોડ પડાવનાર નકલી PSI મોબીન ઇકબાલ પટેલ સામે ભરૂચમાં વધુ એક ઠગાઈનો ગુનો નોંધાયો છે.
તાજેતરમાં તાંદલજા વિસ્તારમાં આવેલા અલકબીર બંગલોઝ ખાતે વડોદરા SOG પોલીસે રેડ કરી નકલી PSI મોબીન ઇકબાલ પટેલને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન તેની પાસેથી નકલી ઓળખપત્ર, નકલી પોલીસ યુનિફોર્મ, સહીના સિક્કા સહિતનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. ખાખી વર્દી પહેરી નકલી PSI બની લોકો પાસેથી રૂપિયા પડાવતો મોબીન પટેલ પોતાનું નામ “સલીમ પઠાણ” તરીકે પણ ઉપયોગ કરતો હતો.
ભરૂચ જિલ્લાના દહેજ બાયપાસ રોડ પર આવેલા મેહફૂજ કોમ્પ્લેક્ષમાં રહેતા સમીમબેન ઉમરજી પટેલે ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ અને તેમના પતિ સલમાન અમીન સામાજિક કાર્ય સાથે સંકળાયેલા છે. તેમના પિતાજીના મામાના દીકરા યુનુસ ઇબ્રાહીમ ભરૂચા લંડન (યુ.કે.)માં રહે છે અને તેમની માલિકીની જમીન જંબુસર બાયપાસ નજીક આવેલી છે, જે અંગે વર્ષ 1995થી કેસ ચાલે છે અને હાલમાં ગુજરાત હાઇકોર્ટમાં સિવિલ અપીલ ચાલુ છે.
યુનુસ ઇબ્રાહીમ લંડનમાં રહેતા હોવાથી તેમણે જમીન સંબંધિત કામગીરી માટે સમીમબેનને પાવર ઓફ એટર્ની આપી હતી. આ દરમિયાન રેવન્યુ વિભાગનું કામ કરતા વકીલ મુકતેશભાઈ દેવેનદ્રભાઈ બારોટ મારફતે ગાંધીનગર SITના PSI સાથે મુલાકાત ગોઠવવામાં આવી હતી.
અમદાવાદના અંતરિક્ષ હોટલ ખાતે નકલી PSI યુનિફોર્મમાં સમીર પઠાણ (હકીકતમાં મોબીન પટેલ) નંબર પ્લેટ વગરની ક્રેટા કાર લઈને પહોંચ્યો હતો. તેણે પોતાને ગાંધીનગર SITનો PSI હોવાનું જણાવી જમીનનો કેસ તમારા પક્ષમાં પતાવી આપવાની ખાતરી આપી હતી. ખર્ચ અંગે પૂછતાં તેણે ટીમના પ્રવાસ અને કોર્ટ ખર્ચના નામે રકમ માગી હતી.
મોબીન પટેલના કહેવા મુજબ અમદાવાદના મિરઝાપુર કોર્ટમાં નોટરી કરાવી 5 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. ત્યારબાદ ફોન પર સ્પીકરમાં વાત કરાવી વિરોધ પક્ષ તરફથી 3 કરોડની ઓફર હોવાનું કહી એક કરોડ રૂપિયા આપશો તો તમારા પક્ષમાં ચુકાદો આવશે તેવી ધમકી આપી હતી.
પછી અલગ અલગ તબક્કે કુલ 1.05 કરોડ રૂપિયા લેવામાં આવ્યા હતા. જોકે, બાદમાં કોઈ ચુકાદો આવ્યો ન હતો. આ દરમિયાન મીડિયા મારફતે જાણવા મળ્યું કે સમીર પઠાણ નામે ઓળખ આપનાર વ્યક્તિ નકલી PSI હોવાનું બહાર આવ્યું છે અને વડોદરા SOG દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે.
આ સમગ્ર ઘટનામાં મોબીન ઇકબાલ પટેલ (રહે. અલકબીર બંગલોઝ, ઝમઝમ ટાવર પાછળ, વાસણા-તાંદલજા રોડ, વડોદરા) દ્વારા જમીન કેસના નામે કુલ 1.05 કરોડ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી હોવાનું બહાર આવતા ભરૂચ પોલીસે સલીમ પઠાણ ઉર્ફે મોબીન ઇકબાલ પટેલ વિરુદ્ધ ઠગાઈનો ગુનો નોંધ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.