Vadodara

ગ્રીન બોન્ડની સફળતા બાદ વડોદરા કોર્પોરેશન હવે રૂ.200 કરોડના ‘બ્લ્યુ બોન્ડ’ લાવશે

શહેરના જળ સંચય અને વોટર વર્ક્સ પ્રોજેક્ટ્સને વેગ આપવા પાલિકાની કવાયત; આગામી 4 માસમાં બોન્ડ લોન્ચ કરવાની તૈયારી

વડોદરા: ​પર્યાવરણ પૂરક પ્રોજેક્ટ્સ માટે ‘ગ્રીન બોન્ડ’ લોન્ચ કરીને દેશભરની મહાનગરપાલિકાઓ માટે મોડેલ બનેલી વડોદરા મહાનગરપાલિકા હવે વધુ એક સીમાચિહ્ન સર કરવા જઈ રહી છે. શહેરના જળ સંચય અને વોટર સપ્લાયના નેટવર્કને મજબૂત બનાવવા માટે પાલિકા દ્વારા આગામી ચાર માસમાં રૂ. 200 કરોડના ‘બ્લ્યુ બોન્ડ’ બહાર પાડવાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. લાંબા સમયની કવાયત અને તકનીકી અભ્યાસ બાદ આ બોન્ડનો ડ્રાફ્ટ તૈયાર કરી દેવાયો છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનો છે.
વડોદરા શહેરની વસ્તીમાં થઈ રહેલા સતત વધારાને જોતા આગામી 25 વર્ષની પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે પાલિકાને મોટા ભંડોળની જરૂરિયાત હતી. સામાન્ય રીતે બજેટ પર નિર્ભર રહેવાને બદલે પાલિકાએ મ્યુનિસિપલ બોન્ડના માધ્યમથી માર્કેટમાંથી ફંડ એકત્ર કરવાનો નવો અભિગમ અપનાવ્યો છે. આ ‘બ્લ્યુ બોન્ડ’ દ્વારા એકત્ર કરવામાં આવનાર રૂ. 200 કરોડના નાણાંનો ઉપયોગ ખાસ કરીને વોટર વર્ક્સના આધુનિકીકરણ, નવી પાણીની ટાંકીઓના નિર્માણ, જૂની પાઈપલાઈન બદલવા અને જળ સંચયના મોટા પ્રોજેક્ટ્સ માટે કરવામાં આવશે.
પાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર, બ્લ્યુ બોન્ડના ડ્રાફ્ટમાં પર્યાવરણ અને પાણીની જાળવણીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જેમાં વરસાદી પાણીના સંગ્રહ અને તળાવોના પુનઃઉદ્ધાર જેવી યોજનાઓનો પણ સમાવેશ થઈ શકે છે. આગામી 120 દિવસમાં આ બોન્ડ શેરબજારમાં લિસ્ટિંગ કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. ગ્રીન બોન્ડમાં રોકાણકારોએ જે રીતે વિશ્વાસ બતાવ્યો હતો, તેને જોતા બ્લ્યુ બોન્ડ પણ સફળ રહે તેવી તંત્રને આશા છે.
બોક્ષ:- કેમ ખાસ છે ‘બ્લ્યુ બોન્ડ’?
દેશમાં જળ વ્યવસ્થાપન ક્ષેત્રે વડોદરા અગ્રેસર બનશે
સામાન્ય રીતે ગ્રીન બોન્ડ પર્યાવરણ માટે હોય છે, પરંતુ ‘બ્લ્યુ બોન્ડ’ ખાસ કરીને ‘બ્લ્યુ ઇકોનોમી’ એટલે કે જળ સ્ત્રોતોના ટકાઉ ઉપયોગ માટે હોય છે. વડોદરા પાલિકા આ બોન્ડ દ્વારા માત્ર પાણી પુરવઠો જ નહીં, પણ ગંદા પાણીના શુદ્ધિકરણ અને પાણીના પુનઃઉપયોગના પ્રોજેક્ટ્સને પણ આર્થિક પીઠબળ આપશે. આ બોન્ડથી થનારા કામોને લીધે શહેરના ભૂગર્ભ જળ સ્તરમાં વધારો થશે અને નાગરિકોને શુદ્ધ પાણી પૂરતા પ્રેશરથી મળી રહેશે.

Most Popular

To Top