Vadodara

વડોદરાના સ્મશાનોના ‘ખાનગીકરણ’ મુદ્દે ફરી જંગ: સામાજિક કાર્યકરોનો પાલિકા પર હલ્લાબોલ

કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરી નિઃશુલ્ક સેવા આપતા ટ્રસ્ટોને સંચાલન સોંપવા માંગ; નિર્ણય નહીં બદલાય તો આંદોલનની ચીમકી

વડોદરા શહેરના સ્મશાનોના સંચાલન અને જાળવણી માટે પાલિકા દ્વારા અપનાવવામાં આવેલી ખાનગીકરણની નીતિ સામે ફરી એકવાર વિરોધનો સૂર ઉઠ્યો છે. લાંબા સમયના વિરામ બાદ આજે સામાજિક કાર્યકરો અને જાગૃત નાગરિકોનો મોરચો પાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે ઉમટી પડ્યો હતો. કાર્યકરોએ મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી કોન્ટ્રાક્ટ પદ્ધતિ રદ કરવાની ઉગ્ર માંગણી કરી છે.
થોડા સમય અગાઉ વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ સ્મશાનોની જાળવણીનો કાર્યભાર ખાનગી સંસ્થાઓને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તે સમયે પણ આ મામલે ભારે હોબાળો થયો હતો, પરંતુ સત્તાધારી પક્ષ અને તંત્રએ વિવિધ ખુલાસાઓ કરી આખરે કોન્ટ્રાક્ટ પદ્ધતિ અમલી બનાવી દીધી હતી. હવે સામાજિક કાર્યકરોનો આક્ષેપ છે કે, પવિત્ર ગણાતા સ્મશાન જેવી જગ્યાઓએ કોન્ટ્રાક્ટ પદ્ધતિ લાવીને વેપારીકરણ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
સામાજિક કાર્યકરોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જો પાલિકા તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે અને કોન્ટ્રાક્ટ પ્રથા ચાલુ રખાશે, તો આગામી દિવસોમાં સમગ્ર શહેરમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.
​હવે જોવાનું એ રહે છે કે, લાંબા સમય બાદ ફરી જાગેલા આ સંવેદનશીલ મુદ્દે પાલિકા તંત્ર નમતું જોખશે કે પછી પોતાના જૂના નિર્ણય પર મક્કમ રહેશે? શહેરની જનતામાં પણ આ મામલે મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.
રજૂઆતના મુખ્ય મુદ્દાઓ:
*​કોન્ટ્રાક્ટ પ્રથાની નાબૂદી: ખાનગી એજન્સીઓને અપાતા લાખો રૂપિયાના કોન્ટ્રાક્ટ બંધ કરવામાં આવે.
*​નિઃશુલ્ક સેવા આપતા ટ્રસ્ટોને પ્રાધાન્ય: શહેરમાં અનેક સેવાભાવી ટ્રસ્ટો છે જે કોઈપણ નફાની અપેક્ષા વગર નિઃશુલ્ક સ્મશાન સંચાલન કરવા તૈયાર છે, તેમને તક આપવામાં આવે.
*​આર્થિક બોજ: પાલિકાના નાણાંનો ખાનગી કોન્ટ્રાક્ટરો પાછળ વ્યય બંધ કરી જાહેર જનતાને સુવિધા આપવામાં આવે.

Most Popular

To Top