ગોત્રી પોલીસની બેદરકારીએ મહિલાને લોહીલુહાણ કરી!
4 દિવસ સુધી છેડતીની ફરિયાદ ન લેવાઈ, પરિણામે આરોપીએ ચપ્પુ ઝીંક્યું
પોલીસ સ્ટેશનમાં લવાયેલો અફઝલ નજર સામે જ ફરાર એકપણ પોલીસકર્મી બહાર નીકળી પાછળ ન ગયો હોવાનો મહિલાનો આક્ષેપ



વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશનની ગંભીર બેદરકારી સામે આવી છે. એક મહિલા છેલ્લા ચાર દિવસથી પોતાની દીકરીની છેડતી અંગે ફરિયાદ કરવા પોલીસ મથકે ફરી રહી હતી, પરંતુ પોલીસ દ્વારા ફરિયાદ લેવાને બદલે તેને ટાળવામાં આવી હતી. પોલીસની આ નિષ્ક્રિયતાનું પરિણામ એ આવ્યું કે એ જ આરોપીએ આજે મહિલાપર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો.
આશ્ચર્યજનક વાત એ છે કે હુમલા બાદ પરિવારજનોએ આરોપીને પકડીને પોલીસના હવાલે કર્યો હતો, છતાં આરોપી પોલીસ સ્ટેશનના પ્રાંગણમાંથી જ પોલીસની નજર સામે ભાગી છૂટ્યો, જેને લઈ પોલીસની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
ચાર દિવસ સુધી ફરિયાદ માટે ધક્કા
પીડિત મહિલાના જણાવ્યા અનુસાર ‘અફઝલ’ નામનો યુવક છેલ્લા ઘણા સમયથી તેની દીકરીને હેરાન પરેશાન કરી રહ્યો હતો અને છેડતી કરતો હતો. આ બાબતે લેખિત ફરિયાદ નોંધાવવા મહિલા સતત ચાર દિવસ સુધી ગોત્રી પોલીસ સ્ટેશન ગઈ હતી, પરંતુ ત્યાં હાજર પોલીસ સ્ટાફે કાર્યવાહી કરવાને બદલે માત્ર આશ્વાસનો આપ્યા.
જો પોલીસે સમયસર છેડતીની ફરિયાદ નોંધેલી હોત, તો આજે આ લોહિયાળ ઘટના કદાચ બનતી ન હોત, એવો મહિલાનો આક્ષેપ છે.
આરોપીએ ચપ્પુ વડે કર્યો હુમલો
પોલીસ દ્વારા કોઈ પગલાં ન લેવાતા આરોપી અફઝલ વધુ હિંમતવાન બન્યો અને આજે તેણે મહિલાપર ચપ્પુ વડે હુમલો કર્યો, જેમાં મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી છે. હુમલા બાદ પરિવારજનોએ હિંમત દાખવી આરોપીને પકડી ગોત્રી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.
પોલીસ સ્ટેશનમાંથી જ આરોપી ફરાર
ગોત્રી પોલીસની બેદરકારીની હદ ત્યારે પાર થઈ ગઈ, જ્યારે પોલીસ સ્ટેશનમાં લવાયેલો આરોપી પોલીસ સ્ટાફની નજર સામે જ ભાગી છૂટ્યો. આરોપી પાછળ એકપણ પોલીસકર્મી બહાર ન નીકળ્યાનો મહિલાનો આક્ષેપ છે.
લોહીલુહાણ હાલતમાં પોલીસ સ્ટેશન પહોંચેલી મહિલાએ પોલીસ સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. શરીર પર ઈજાના સ્પષ્ટ નિશાનો હોવા છતાં પોલીસની આ શિથિલતા વડોદરા પોલીસની ‘She Team’ અને મહિલા સુરક્ષાના મોટા દાવાઓની પોલ ખોલતી નજરે પડે છે.
હાલ આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.