Vadodara

વસ્તી ગણતરીમાં જોડાતા શિક્ષકો માટે રૂ.2 કરોડના વીમા કવચની માંગ

શૈક્ષણિક સંઘે સરકાર સમક્ષ 13 મુદ્દાની રજૂઆત મૂકી

એપ્રિલ-2026થી શરૂ થનારી વસ્તી ગણતરીની કામગીરીને લઈને તૈયારીઓ તેજ બની

( પ્રતિનિધિ )વડોદરા,તા.24

એપ્રિલ-2026થી શરૂ થનારી વસ્તી ગણતરીની કામગીરીને લઈને તૈયારીઓ તેજ બની છે. આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કામગીરી માટે શિક્ષકોની વ્યાપક ભાગીદારી રહેતી હોવાથી, તેમની સુરક્ષા અને સુવિધાઓ અંગે રાજ્ય શૈક્ષણિક સંઘે સરકાર સમક્ષ મહત્વપૂર્ણ માંગણીઓ મૂકી છે. વસતિ ગણતરી કાર્યાલય દ્વારા યોજાયેલી બેઠકમાં શૈક્ષણિક સંઘના અધ્યક્ષ સહિતના હોદ્દેદારોએ હાજરી આપી હતી અને કુલ 13 સૂચનો રજૂ કર્યા હતા.

શૈક્ષણિક સંઘે સૌથી મહત્વપૂર્ણ માગ તરીકે વસ્તી ગણતરીની કામગીરીમાં જોડાતા દરેક શિક્ષકને 2 કરોડનું અકસ્માત વીમા કવચ આપવાની ભલામણ કરી છે. સંઘના જણાવ્યા મુજબ, વસતિ ગણતરી દરમિયાન શિક્ષકોને અંતરિયાળ, ગ્રામ્ય, ડુંગરાળ તેમજ અજાણ્યા વિસ્તારોમાં ફરજ બજાવવી પડે છે. ઘણી વખત વહેલી સવારથી મોડી રાત સુધી ફિલ્ડમાં રહેવું પડે છે, જેમાં માર્ગ અકસ્માત, આરોગ્ય સંબંધિત જોખમો તેમજ અન્ય અનિચ્છનીય પરિસ્થિતિઓ સર્જાવાની શક્યતા રહે છે. આવી સ્થિતિમાં જો કોઈ દુર્ઘટના બને, તો શિક્ષકના પરિવારને આર્થિક સંકટ ન વેઠવું પડે તે માટે મજબૂત વીમા સુરક્ષા અનિવાર્ય હોવાનું સંઘે જણાવ્યું છે. શિક્ષકોને નિયમિત રીતે વર્ગખંડમાંથી દૂર રાખીને બિનશૈક્ષણિક કામગીરી સોંપવામાં આવે છે, જેની સીધી અસર શિક્ષણની ગુણવત્તા પર પડે છે. અગાઉના નેશનલ એચિવમેન્ટ સર્વેમાં રાજ્યના નબળા પરિણામ માટે શિક્ષકોને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા, પરંતુ વાસ્તવિક કારણ એ છે કે શિક્ષકોને વારંવાર ચૂંટણી, વસતિ ગણતરી અને બીએલઓ જેવી કામગીરીમાં વ્યસ્ત રાખવામાં આવે છે. આ કારણે સંઘે માગ કરી છે કે ભવિષ્યમાં વસતિ ગણતરી જેવી કામગીરી માટે અન્ય શિક્ષિત બેરોજગાર યુવાનોને તક આપવામાં આવે અને શિક્ષકોને શિક્ષણ કાર્ય પર કેન્દ્રિત રહેવા દેવામાં આવે. બેઠક દરમિયાન શૈક્ષણિક સંઘે ધરપકડ વોરંટની પ્રથા બંધ કરવાની પણ માગ ઉઠાવી છે. સંઘના કહેવા મુજબ, વહીવટી ખામીઓ અથવા લોજિસ્ટિક કારણોસર જો કામગીરીમાં મોડું થાય તો શિક્ષકો સામે કડક પગલાં લેવાં યોગ્ય નથી. બદલે તેમને જરૂરી માર્ગદર્શન અને સહાય પૂરી પાડવી જોઈએ. ડિજિટલ વસતિ ગણતરીને ધ્યાનમાં રાખીને સંઘે શિક્ષકોને ઉચ્ચ ગુણવત્તાના ટેબ્લેટ, પૂરતું ડેટા પેક અને ટેકનિકલ સહાય ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે. સાથે જ મોંઘવારીને ધ્યાનમાં રાખીને વસતિ ગણતરી માટે આપવામાં આવતાં માનદ વેતનમાં સન્માનજનક વધારો કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે.

Most Popular

To Top