વડોદરા તથા સુરત એલસીબી પોલીસની સંયુક્ત કાર્યવાહી
પ્રતિનિધિ, વડોદરા તા. 24
પુરી–અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી વડોદરા અને સુરત એલસીબી પોલીસની સંયુક્ત ટીમે રૂ. 12.62 લાખની કિંમતનો 25 કિલોગ્રામથી વધુ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને જોઈ કેરિયર ગાંજાનો જથ્થો મૂકી ફરાર થઈ ગયો હતો.
પશ્ચિમ રેલવેમાં દોડતી વિવિધ ટ્રેનોમાં ગાંજો, એમડી ડ્રગ્સ તથા ચરસ સહિતના નશીલા પદાર્થોની હેરાફેરી થતી રહેતી હોવાનું સામે આવતું રહે છે. રેલવે પોલીસ દ્વારા અવારનવાર ટ્રેનોમાંથી નશીલા પદાર્થો ઝડપી પાડવામાં આવે છે, તેમ છતાં પેડલરો અને કેરિયરો ટ્રેનોમાં હેરાફેરી કરવાનો પ્રયાસ કરતા રહે છે.
આ સંદર્ભે 24 જાન્યુઆરીના રોજ વડોદરા રેલવે એલસીબીના પી.આઈ. ટી.વી. પટેલ સહિતની ટીમ અને સુરત એલસીબી પોલીસ દ્વારા પુરી–અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં સંયુક્ત રીતે પેટ્રોલિંગ અને ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન સુરત તરફ જઈ રહેલી ટ્રેન ઉંધના રેલવે સ્ટેશન પહેલા પહોંચે તે પૂર્વે એન્જિન પછીના જનરલ કોચના ટોયલેટની બહારની બાજુ પાટિયાની સાઈડમાં પેકિંગ કરેલો બિનવારસી હાલતમાં શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો.
તાત્કાલિક ચકાસણી કરતાં તે નશીલો પદાર્થ ગાંજાનો જથ્થો હોવાનું જાણવા મળ્યું. એલસીબી પોલીસે કુલ 25.255 કિલોગ્રામ ગાંજો, કિંમત રૂ. 12.62 લાખનો મુદ્દામાલ કબજે કરીને રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. પેટ્રોલિંગ દરમિયાન પોલીસને જોઈને ગાંજો લઈને ફરતો કેરિયર જથ્થો મૂકી ફરાર થઈ ગયો હોવાનું પોલીસનું કહેવું છે.