Vadodara

SIRની ચાલી રહેલી પ્રક્રિયામાં ખોટી રીતે ફોર્મ 7થી વાંધા લેનાર સામે કાર્યવાહીની માંગ

એડવોકેટની ગાંધીનગર ચીફ ઈલેક્શન ઓફિસરને રજૂઆત

કેટલાક રાજકીય પક્ષના પ્રતિનિધિઓ,પોતાના રાજકીય પક્ષના પ્રતિસ્પર્ધીઓના નામો દુર કરવા માટે ગેરકાયદેસર રીતે ફોર્મ નં.7 નો દુરુપયોગ કરે છે : શૈલેષ અમીન

( પ્રતિનિધિ )વડોદરા,તા.24

સ્પેશીયલ ઇન્ટેન્સીવ રીવીઝનની ચાલી રહેલી સમગ્ર પ્રક્રિયામાં ખોટી રીતે ફોર્મ નં.7 થી વાંધા લેનાર તમામ લોકો સામે પોલીસ ફરિયાદ કરવાની માંગ સાથે શહેરના નામાંકિત એડવોકેટ અને વિશ્વામિત્રી બચાવો સમિતિના આગેવાન શૈલેષ અમીને રાજ્યના ચીફ ઈલેક્શન ઓફિસર, જિલ્લા ચૂંટણી અધિકારી અને મ્યુનિસિપલ કમિશ્નરને રજૂઆત કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે.

વિશ્વામિત્રી બચાવો સમિતિના વડોદરાના એડવોકેટ શૈલેષ અમીને જણાવ્યું છે કે, મતદાર યાદીનું સ્પેશીયલ ઈન્ટેન્સીવ રીવીઝન કરવું ખુબ યોગ્ય છે. પરંતુ, તે પ્રક્રિયાનો કેટલાક રાજકીય લોકો દુરુપયોગ કરી ને ફોર્મ નં. 7 ભરી, સાચા મતદારોના નામો મતદાર યાદી માંથી દુર કરવાના પ્રયાસો કરે તે ભારતીય બંધારણીય હેઠળ ચાલતી એસઆઈઆર પ્રક્રિયાને ખોરંભે પાડવા, પ્રક્રિયા માટેના ચુંટણી ના અધિકારીને ગેરમાર્ગે દોરવા, ચુંટણી તંત્રનું કામ વધારી બોજો ઉભો કરવા અને નાગરિકો નો મતાધિકાર છીનાવવાના ગેરકાયદેસરના પ્રયાસો ગણવા જોઈએ અને જયારે કોઈ સાચા મતદારોને ફોર્મ નં.7 ભરી દુર કરવાના પ્રયાસો કરેલા હોય તેઓ તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે. એસઆઈઆરની પ્રક્રિયા ચાલી રહી છે અને જો કોઈ ત્રાહિત વ્યક્તિ ફોર્મ નં.7 ભરીને સાચા મતદારને યાદી માંથી દુર કરવાની ફરિયાદ અરજી કરે ત્યારે, સૌથી પહેલા આવી ખોટી અરજીઓ ડમી અને ખોટા નામ, ફોન નંબર થી કરતા હોઈ શકે. જેથી કોઈ પણ ફોર્મ નં.7 ની અરજી આવે, ત્યારે સૌ પ્રથમ તો અરજદારને જ રૂબરૂ બોલાવી તેની ખરાઈ કરી, અરજદાર પાસે ખોટી રીતે ફોર્મ 7 નો દુરુપયોગ કરેલો હશે તો ગુન્હો બનશે તેવું લખાવી લઇ બાદમાં જ તે ફોર્મ નં.7 ઉપર આગળની કાર્યવાહી કરાવી જોઈએ. ચુંટણી વિભાગ દ્વારા હાલ ચાલી રહેલ સ્પેશીયલ ઇન્ટેન્સીવ રીવીઝન ની કામગીરી દરમ્યાન જો કોઈ ફરિયાદી ફોર્મ નં.7 થી અરજી કરી ને અન્ય ત્રાહિત વ્યક્તિ નું નામ મતદાર યાદી માંથી દુર કરવા માંગે ત્યારે એસઆઈઆરની કામગીરી કરતા અધિકારી એ તે ફોર્મ નં.7 ની નકલ જેનું પણ નામ કમી કરવા જણાવેલું હોય તેને પહોચાડ્યા વગર નામ કમી કરવાની કાર્યવાહી કરાવી ન્યાય ના હિતમાં નથી. કેટલાક રાજકીય પક્ષ ના પ્રતિનિધિઓ, પોતાના રાજકીય પક્ષના પ્રતિસ્પર્ધી ઓના નામો દુર કરવા માટે ગેરકાયદેસર રીતે ફોર્મ નં.7 નો દુરુપયોગ કરે છે જે સ્વાયત્ત ચુંટણી પંચની એસઆઈઆર પ્રક્રિયા ખોરંભે પાડવા અને સાચા ભારતીય નાગરીકો ના મતદાર યાદીમાંથી ગેરકાયદેસર નામો ઉડાવી દેવાના પ્રયાસો કરે છે તેમની સામે પોલીસ ફરિયાદ કરવા અમારી માંગ છે.

Most Popular

To Top