Vadodara

ડભોઇ સિવિલ કોર્ટનો ચુકાદો, ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા,

₹12 લાખ ચૂકવવાનો હુકમ
ડભોઇ: ડભોઇ સિવિલ કોર્ટમાં ચેક રિટર્નના એક મહત્વપૂર્ણ કેસમાં અદાલતે કડક ચુકાદો આપ્યો છે. અદાલતે આરોપીને ચેકની મૂળ રકમના ડબલ રૂપિયા ચૂકવવાનો હુકમ આપતાં સાથે બે વર્ષની કેદની સજા ફટકારી છે. તેમજ નક્કી કરેલી સમયમર્યાદામાં રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય તો વધુ એક વર્ષની કેદની જોગવાઈ પણ કરવામાં આવી છે.
કેસની વિગત મુજબ, ડભોઇ એડિશનલ ચીફ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ભૂરા મોલ, ડભોઇના રહેવાસી ફરિયાદી રાજેભાઈ ઈસ્માઈલભાઈ મીઠાવાળાએ સૈયદ ઇન્તેખાબ આલમ નિઝામુદ્દીન (રહે. મહુડીભાગોળ, શરબત કૂવા, ડભોઇ) વિરુદ્ધ ધ નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ ₹6 લાખના ચેક રિટર્ન બાબતે ફરિયાદ દાખલ કરી હતી.
આ કેસની સુનાવણી જજ કે. એસ. ખન્નાની અદાલતમાં ચાલી હતી. પુરાવા અને દલીલોને આધારે અદાલતે આરોપીને ચેકની રકમના ડબલ રૂપિયા એટલે કે ₹12 લાખ ફરિયાદીને ચૂકવવાનો હુકમ કર્યો છે. ઉપરાંત આરોપીને બે વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી છે. જો આરોપી દ્વારા 30 દિવસની અંદર ₹12 લાખની રકમ ચૂકવવામાં નહીં આવે તો વધુ એક વર્ષની કેદની સજા ભોગવવાની રહેશે.
અદાલતના આ કડક ચુકાદાને પગલે આરોપીમાં ફફડાટ જોવા મળ્યો છે, જ્યારે ચેક રિટર્ન કેસોમાં ન્યાયિક કડકતા અંગે આ ચુકાદો મહત્વનો સંદેશ આપતો માનવામાં આવી રહ્યો છે.
પ્રતિનિધિ : સઈદ મનસુરી, ડભોઇ

Most Popular

To Top