બરોડા હાઈસ્કૂલની ગંભીર બેદરકારી, શાળામાં દીકરી ઈજાગ્રસ્ત થઈ છતાં સંચાલકોના પેટનું પાણી ન હાલ્યું
ઓએનજીસી બરોડા હાઈસ્કૂલમાં માસૂમ બાળકી સાથેની બેદરકારીથી વાલીઓમાં ભારે રોષ
(પ્રતિનિધિ) વડોદરા | તા. 24
વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલી ઓએનજીસી કોલોની સ્થિત બરોડા હાઈસ્કૂલમાં માનવતાને શરમાવે તેવી ગંભીર ઘટના સામે આવી છે. શાળા પરિસરમાં એક માસૂમ બાળકી લોહીલુહાણ હાલતમાં ઈજાગ્રસ્ત થઈ હોવા છતાં શાળા વહીવટી તંત્ર દ્વારા તેને તાત્કાલિક સારવાર આપવાની તસ્દી પણ લેવામાં ન આવતા વાલીઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.
વાલીઓ જ્યારે પોતાના બાળકોને સુરક્ષિત માનીને શાળાએ મોકલે છે ત્યારે આવી ઘટના શાળાની સુરક્ષા અને સંવેદનશીલતા પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. શું શાળા માત્ર શિક્ષણ માટે છે કે પછી ફક્ત ફી વસૂલવાનું કેન્દ્ર બની ગઈ છે? શાળા સંચાલકો માટે શું બાળકોની સલામતીનો કોઈ અર્થ રહ્યો નથી?

બપોરે 2 વાગે ઈજા, સાંજે 6 વાગે વાલીને ખબર
પ્રાપ્ત માહિતી મુજબ, શાળામાં અભ્યાસ કરતી એક બાળકી બપોરે અંદાજે 2 વાગ્યાના સમયે પડી જવાથી બંને પગના ઘૂંટણમાં ગંભીર ઈજાઓ સાથે લોહી વહેતું થયું હતું. આવી સ્થિતિમાં બાળકીને તાત્કાલિક પ્રાથમિક સારવાર કે નજીકની હોસ્પિટલમાં લઈ જવી જરૂરી હતી. પરંતુ શાળા તંત્રે સંવેદનહીન વલણ અપનાવી માત્ર સોફ્રામાઈસીન સ્કિન ક્રીમ લગાવી બાળકીને બેસાડી રાખી હતી. આટલું જ નહીં, ઈજાગ્રસ્ત બાળકી ને વોશરૂમમાં જવાની પણ મંજૂરી આપવામાં આવી ન હતી. છ કલાક સુધી બાળક દુખાવામાં તડપતી રહી, પરંતુ શાળા વહીવટીતંત્રનું દિલ ન પીગળ્યું..
પિતાને જાણ થતા તાત્કાલિક હોસ્પિટલ દોડી ગયા
સાંજે 6 વાગે જ્યારે બાળકીના પિતા શાળામાં તેને લેવા માટે આવ્યા ત્યારે સમગ્ર ઘટનાની જાણ થઈ. દીકરીની હાલત જોઈ તેઓ ચોંકી ઉઠ્યા હતા અને તાત્કાલિક તેને હોસ્પિટલ લઈ જઈ પ્રાથમિક સારવાર કરાવવામાં આવી હતી.
પ્રિન્સિપાલે જવાબદારીથી હાથ ખંખેર્યા
બાળકીના વાલી જ્યારે આ ગંભીર બેદરકારી અંગે શાળાના પ્રિન્સિપાલને મળવા ગયા ત્યારે સંતોષકારક જવાબ મળ્યો ન હતો. આથી રોષે ભરાયેલા વાલી દ્વારા પ્રિન્સિપાલ અને શાળા સંચાલન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
વાલીઓમાં રોષ, કાર્યવાહી કરવાની માંગ
આ ઘટનાને લઈને અન્ય વાલીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓએ માંગ ઉઠાવી છે કે શાળાઓમાં બાળકની સુરક્ષા માટે કડક નિયમો અમલમાં મુકવામાં આવે અને આવી બેદરકારી દાખવનાર શાળા સંચાલકો સામે તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ.