હાર્ટ એટેકની આશંકા
વડોદરા | તા. 24
વડોદરા સેન્ટ્રલ જેલમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા એક વૃદ્ધ પાકા કામના કેદીનું અચાનક મોત થતાં ચકચાર મચી ગઈ છે. જેલના ટોયલેટમાં ગયેલા કેદી અચાનક ઢળી પડ્યા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર મળે તે પૂર્વે જ તેમણે અંતિમ શ્વાસ લીધા હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ વડોદરા સેન્ટ્રલ જેલમાં રહેલા વૃદ્ધ કેદી ટોયલેટમાં ગયા હતા, તે દરમિયાન તેઓ અચાનક બેભાન થઈ જમીન પર પડી ગયા હતા. આ અંગેની જાણ થતાં જ જેલ સત્તાધીશો દોડી આવ્યા હતા અને કેદીને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં પહોંચ્યા બાદ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
પ્રાથમિક તારણ મુજબ કેદી શ્વાસની બીમારીથી પીડાતા હતા અને તેમની સારવાર ચાલુ હતી. હાર્ટ એટેકના કારણે મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાની જાણ મૃતકના પરિવારજનોને કરવામાં આવી છે. મૃતદેહને સયાજી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે.
મૃતક કેદીની ઓળખ ગોપાલભાઈ ઉર્ફે જનકભાઈ રતિલાલ શેઠ (ઉં.વ. 60) તરીકે થઈ છે, જે પંચમહાલ જિલ્લાના કાલોલના વતની હતા. તેમના વિરુદ્ધ વર્ષ 2017માં પાવાગઢ પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધાયો હતો અને ત્યારબાદ કોર્ટ દ્વારા તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
જેલ વહીવટીતંત્ર દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકશે.