પાંચથી વધુ ફાયર ફાઈટરો સ્ટેન્ડબાય, મોટા નુકસાનની શક્યતા
(પ્રતિનિધિ) વડોદરા | તા. 24
વડોદરા શહેરના ગોરવા મધુનગર વિસ્તારમાં મધુનગર બ્રિજ નજીક આવેલા બેટરીના ગોડાઉનમાં આજે અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા જ મોટો અવાજ સંભળાતા અને ધુમાડાના ગોટેગોટા ઊઠતા આસપાસના વિસ્તારમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો. આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બાજુમાં આવેલ એક વર્કશોપ પણ આગની ચપેટમાં આવી ગયું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ મધુનગર બ્રિજ નજીક આવેલા “ઓટો ગ્લોવ” નામના બેટરીના ગોડાઉનમાં આગ લાગી હતી. આગની તીવ્રતા એટલી વધુ હતી કે ચારથી પાંચ કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા સ્પષ્ટ નજરે પડ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની બે ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરિસ્થિતિ ગંભીર બનતા પાંચથી વધુ ફાયર ફાઈટરો સાથે વધારાની ગાડીઓને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી.
સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી,

પરંતુ ગોડાઉનમાં ભારે નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સબ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, આગ પાછળના તથા બાજુમાં આવેલા ગોડાઉનમાં ફેલાવાની શક્યતા હતી, પરંતુ ફાયર જવાનો અંદર એક્સેસ લઈને આગને કાબૂમાં લઈ લીધી છે. સુરક્ષાના ભાગરૂપે જીઇબીનું વિજ કનેક્શન પણ કટ કરાવવામાં આવ્યું હતું તેમજ ફોમનો મારો ચલાવી આગને વધુ પ્રસરી અટકાવવામાં આવી હતી.

મહત્વનું છે કે આ બેટરીનું ગોડાઉન રહેણાંક વિસ્તારમાં આવેલું છે. સ્થાનિક રહીશોએ અગાઉ પણ આવા જોખમી ગોડાઉન રહેણાંક વિસ્તારમાં ન હોવા જોઈએ તેવી રજૂઆત કરી હતી. આગ લાગતા ભયભીત બનેલા સોસાયટીના રહીશો સુરક્ષાના પગલા તરીકે પોતાના ધાબા પર ચડી ગયા હતા. આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર પાસે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.