કાલોલ |
કાલોલ નગરમાં દશાલાડ જ્ઞાતિ સમસ્ત દ્વારા શુક્રવારે વસંત પંચમીનો મહોત્સવ ધાર્મિક ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવ્યો હતો. આ પાવન અવસરે પુ. પા. ગૌ. ૧૦૮ શ્રી રવિકુમારજી મહારાજ તથા અ. સૌ. પુ. ડૉ. શ્રીયાંગના વહુજી મહારાજ તેમજ પુ. પા. ગૌ. ૧૦૮ શ્રી મધુરમકુમાર મહોદય અને અ. સૌ. પુ. વ્રજાંગના વહુજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં કાર્યક્રમો યોજાયા હતા.
મહોત્સવ દરમિયાન જ્ઞાતિના ૭૦ વર્ષથી વધુ ઉંમરના વડીલોનું સન્માન કરવામાં આવ્યું હતું. મહારાજશ્રીઓએ પોતાની મધુર વાણી દ્વારા વસંત પંચમીના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે સાજ-બેન્ડ-બાજા સાથે ભવ્ય કળશ શોભાયાત્રા નિકળી હતી, જે ગોવર્ધનનાથજી મંદિર ખાતે પહોંચતા કળશ વધાવીને વસંત પંચમીના દર્શનનો લાભ વૈષ્ણવ ભક્તોએ લીધો હતો. ત્યારબાદ લાડ જ્ઞાતિની વાડીમાં સમૂહ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.
વસંત પંચમીને માત્ર વ્રત નહીં પરંતુ વ્રત-પર્વ તરીકે ઓળખાવવામાં આવે છે. મહા સુદ પાંચમ પતિ-પત્નીનું મહાપર્વ ગણાય છે. આ દિવસે કામદેવ અને રતિનું સુગંધિત પુષ્પો અને આંબાના મોરથી પૂજન કરવું, પરસ્પર પ્રેમ અને સુખ-શાંતિ માટે પ્રાર્થના કરવી એ પરંપરા રહી છે. વસંત પંચમી વસંતોત્સવનો પ્રથમ દિવસ માનવામાં આવે છે, જે સૃષ્ટિમાં નવ ચેતના, ઉત્સાહ અને આનંદનું સંચાર કરે છે.
રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા