ગોત્રી હોસ્પિટલ વિવાદમાં, રેડિયોલોજી વિભાગમાં સુરક્ષાના સાધનો શોભાના ગાંઠિયા સમાન



(પ્રતિનિધિ), વડોદરા. તા.23
વડોદરાની જાણીતી ગોત્રી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં ફસાઈ છે. હોસ્પિટલના અત્યંત સંવેદનશીલ ગણાતા રેડિયોલોજી વિભાગમાં ફાયર સેફ્ટીના સાધનો એક્સપાયરી ડેટ વાળા હોવાનું સામે આવતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે રેડિયોલોજી વિભાગમાં લગાવવામાં આવેલા અગ્નિશામક સિલિન્ડરોની સમયમર્યાદા ક્યારનીય પૂર્ણ થઈ ગઈ છે. રેડિયોલોજી વિભાગમાં મોંઘી મશીનરી અને ઇલેક્ટ્રિક વાયરિંગનું પ્રમાણ વધુ હોય છે, ત્યાં જો કોઈક કારણોસર શોર્ટસર્કિટ કે અન્ય કોઈ કારણોસર આગ જેવી દુર્ઘટના બને, તો આ નકામા સાધનો કોઈ કામમાં આવશે નહીં. રાજ્યમાં અગાઉ બનેલી હોસ્પિટલ અગ્નિકાંડની ઘટનાઓ છતાં ગોત્રી હોસ્પિટલનું તંત્ર હજુ પણ ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. એક્સપાયરી ડેટ વાળા સાધનો એ માત્ર બેદરકારી નથી, પણ હજારો દર્દીઓના જીવ સાથે રમત સમાન છે. હોસ્પિટલ પ્રશાસન દ્વારા નિયમિત મેન્ટેનન્સ કેમ કરવામાં આવ્યું નથી ? શું કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવામાં આવી રહી છે ? હવે જોવાનું એ રહેશે કે જવાબદાર અધિકારીઓ સામે શું પગલાં લેવામાં આવે છે. જ્યારે જાગૃત નાગરિક દ્વારા ગોત્રી હોસ્પિટલના HOD ને આ મામલે પૂછપરછ કરવા માટે ઓફિસમાં ગયા ત્યારે ત્યાં ઓફિસમાં તેઓ હાજર ન હતા. જાગૃત નાગરિક દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે એક જ અધિકારીને બે બે ચાર્જ સોંપવામાં આવે છે. રાજ્ય સરકારની કોઈ જ રોકટોક ન હોવાને કારણે અધિકારીઓ બેફામ બની ગયા છે. જેના કારણે સરકારી દવાખાનાઓ ની હાલત કફોડી બની ગઈ છે.