Vadodara

વડોદરા: વિશ્વાસઘાત કરી યુવકના નામે રૂ. 21 લાખની હોમ લોન પડાવી લેનાર મહિલા સામે પોલીસ ફરિયાદ

​દસ્તાવેજોનો દુરુપયોગ અને ખોટી સહીઓ કરી પલાશ હાઇટ્સના ફ્લેટ પર લોન મેળવી છેતરપિંડી આચર્યાનો આક્ષેપ; કપુરાઈ પોલીસે તપાસ શરૂ કરી

વડોદરા: શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતા એક યુવકના દસ્તાવેજોનો દુરુપયોગ કરી, તેની ખોટી સહીઓ દ્વારા 21 લાખ રૂપિયાની હોમ લોન મેળવી છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાઘોડિયા રોડ પર આવેલા ગાયત્રી મંદિર પાસે, સુવર્ણલક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતા નિકેશ મહેશભાઈ મહેતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, આ છેતરપિંડીનો બનાવ ઓક્ટોબર-2022 થી નવેમ્બર-2022 દરમિયાન બન્યો હતો. આરોપી મૃણાલીબેન શાહ ભાગીદાર, ગીરીરાજ ડેવલપર્સ, રહે. આધાર સોસાયટી, વાઘોડિયા રોડ એ નિકેશ મહેતાના અંગત દસ્તાવેજોનો દુરુપયોગ કર્યો હતો.
તરસાલી બાયપાસ પાસે આવેલા પલાશ હાઇટ્સના ફ્લેટ નંબર સી/402 ની મિલકત પર લોન લેવા માટે આરોપીએ નિકેશ મહેતા જેવી જ ખોટી સહીઓ કરી, બનાખત તથા લોન એગ્રીમેન્ટ તૈયાર કર્યા હતા.
આરોપીએ નિકેશ મહેતાને વિશ્વાસમાં લઈ, તેમના દસ્તાવેજોનો ઉપયોગ કરી તેમના નામે 21 લાખ રૂપિયાની હોમ લોન પાસ કરાવી લીધી હતી. આ લોન મેળવીને પોતાના આર્થિક ફાયદા માટે તેનો ઉપયોગ કરી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી.
આ સમગ્ર મામલે નિકેશ મહેતાએ કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી મૃણાલીબેન શાહ અને તપાસમાં નીકળે તે તમામ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.ડી.પરમાર ચલાવી રહ્યા છે.

Most Popular

To Top