અઠવાડિયામાં 2 દિવસ પંચાયતોમાં રાત્રિ રોકાણ ફરજિયાત
વડોદરા સહિત રાજ્યના જિલ્લા વિકાસ અધિકારીઓને 15 મુદ્દાનું ચેકલિસ્ટ સોંપાયું; કાગળ પરના વિકાસની હવે ગ્રાઉન્ડ પર સમીક્ષા થશે.
વડોદરા: રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ વિકાસને વેગ આપવા અને સરકારી યોજનાઓનું અમલીકરણ છેવાડાના માનવી સુધી પહોંચે તે હેતુથી જિલ્લા વિકાસ અધિકારીઓ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ નવા નિયમ મુજબ, હવેથી દરેક DDOએ અઠવાડિયામાં ઓછામાં ઓછા બે દિવસ ફરજિયાતપણે ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લેવાની રહેશે અને પંચાયતમાં સમય વિતાવવો પડશે.
વિકાસ કમિશનરની કચેરી દ્વારા તમામ જિલ્લાઓને 15 મુદ્દાઓનું એક વિશેષ ચેકલિસ્ટ મોકલવામાં આવ્યું છે. DDOએ દરેક ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછી બે કલાક વિતાવીને આ ચેકલિસ્ટ મુજબ વિકાસ કામોની સ્થળ પર સમીક્ષા કરવાની રહેશે. આ રિપોર્ટ માત્ર કાગળ પર નહીં, પરંતુ પ્રત્યક્ષ નિરીક્ષણ અને ગ્રામજનો સાથેના સંવાદ બાદ તૈયાર કરી સરકારને મોકલવાનો રહેશે.
આ આદેશ બાદ વડોદરા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પણ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આકસ્મિક મુલાકાતોનું આયોજન કરવામાં આવશે. વડોદરા જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાં ચાલતા વિકાસ કામોમાં પારદર્શિતા આવે અને સ્થાનિક પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ આવે તે માટે આ કવાયત હાથ ધરાશે.
“સરકારનું માનવું છે કે વાસ્તવિક આંકડો માત્ર કાગળ પર નહીં પણ સ્થળ પર જઈને સમજવો જરૂરી છે. અધિકારીઓ ગ્રામજનો સાથે સીધો સંવાદ કરે તે પર ભાર મૂકવામાં આવ્યો છે.”
આ રિપોર્ટ્સની રાજ્ય સ્તરે સમીક્ષા કરવામાં આવશે અને જ્યાં જરૂર જણાય ત્યાં નીતિગત સુધારા પણ કરવામાં આવશે. ગ્રામીણ વિકાસની યોજનાઓ વાસ્તવિક જરૂરિયાતોને અનુરૂપ બને તે માટે આ સમગ્ર પ્રક્રિયા મહત્વની સાબિત થશે.
:- મુખ્ય કયા મુદ્દાઓ પર રહેશે નજર?
નવી માર્ગદર્શિકા અનુસાર, અધિકારીઓએ નીચેની બાબતો પર ખાસ ધ્યાન આપવાનું રહેશે:
પીવાનું શુદ્ધ પાણી: પાણીની ગુણવત્તા અને વિતરણ વ્યવસ્થાની સ્થિતિ.
સ્વચ્છતા અને ગટર: ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા અને ઘન કચરાનું વ્યવસ્થાપન.
માળખાગત સુવિધાઓ: આંતરિક રસ્તાઓની હાલત અને સામુદાયિક કામોની ગુણવત્તા.
સરકારી યોજનાઓ: યોજનાઓના લાભાર્થીઓનો પ્રત્યક્ષ પ્રતિભાવ.
પંચાયત વહીવટ: ગ્રામ પંચાયતની નાણાકીય શિસ્ત અને વહીવટી પારદર્શિતા.