આ કોરોનાની ઐસી કી તૈસી. તે આપણા દરેક આનંદની વચ્ચે આવે તે તો કેમ ચાલે? આ સામે હોળી – ધૂળેટી આવું આવું છે, તે તેની આગતાસ્વાગત કરવાની કે નીં?…. પણ જવા દો, આપણે આપણા તહેવારો કેમ ઉજવાતા એ જ ભૂલી ગયા છીએ. તમે આપણા અસ્સલ સુરતી ચં.ચી. મહેતાની ‘બાંધ ગઠરિયાં’ ખોલો તો આપણું અસ્સલ સુરત ને સુરતીઓનો અસલી મિજાજ બહાર દદડી આવશે. આજે સુરત મોટું થઇને વિખેરાઈ ગયું છે. શેરી – મહોલ્લાનું, પરાનું જે સુરત હતું તેમાં સુરતીઓ જે કાંઇ જીવ્યા છે તે તો અત્યારે હાથમાંથી ઊડી ગયેલા અત્તર જેવું છે. પણ આ ચં.ચી. એવા છે કે તમારી આંખ સામે એ આખું સુરત, સુરતની હોળી રમતી કરી દેશે. સુરતનાં લોકોનો જે ઉત્સવી મિજાજ હતો તે આજે આ શેરી-પરાંઓ વિખેરાતાં ઝાંખો પડી ગયો છે. રામપરા, મહિધરપરા, ગોપીપરા, સૈયદપરા, સગરામપરામાં વસતું સુરત, તેના ઓટલાવાળા ઘરોમાં જીવાતું સુરત આપણે તો શેરીમાં મૂકી શહેર બહારના ફલેટ-બંગલામાં આવી ગયા. હવે કયાં છે એ હોળી – ધૂળેટીની મઝા? નીકળે છે એવી ગીસ? ચં.ચી. મહેતા તમને ખબર પાડવા આવ્યા છે કે એ હોળી, એ ધૂળેટી, ત્યારનો સમાજ, ત્યારની મૌજ શું હતી. આ વખતે હોળી વિશે વાંચો, આવતી વખતે ગીસ વિશે વાંચીશું.
‘ગોપીપુરા દૂર હે, જાના જરૂર હે’.
‘હોળી આ રે! હું બોલાઉં તેમ બોલશો કે…?’
‘હા….રે.’
‘બોલો બોલો શ્રીઇઇ રામ બોલો,
આ જાય તે કાકાને લઇ ચાલો!’
હવાડીઓ ચકલો છે. ચીનુ ચટપટના પહોળા ઓટલા પર પાંચ-સાત છોકરા બેઠા છે. સામે, એક વખતની રાજેન્દ્ર સોમાનારાયણની અને તે વખતે ઘેલાભાઇ મુન્સફની હવેલીના ઓટલા પર બે પાંચ જણ બેઠા છે. સંપૂર્ણ શાંતિ છે. લોકો જાય છે. આવે છે. સૂમસામ છે. કોઇ જરા પણ બોલતું નથી. એવી પાંચદશ મિનિટ પસાર થાય છે અને એકાએક આડાઅવળા શાંત બેસી રહેલા વીસપચીસ છોકરાઓ એકી સાથે પોકારી ઊઠે છે: ‘બોલો બોલો, શ્રીઇઇઇઇ…..’
(બધા): ‘…. રામ બોલોઓઓ….’
રસ્તામાં ચાર ઠેકાણે બે અરધા અને બે રૂપિયા પડેલા છે. તો જતાંઆવતાં કોઇની નજરે ચડે છે અને તે લેવા જાય છે યા લે છે, કે હોળીઆઓ કીકિયારી પાડી ઊઠે છે: ‘બોલો બોલો, શ્રીરામ….’
એ અરધો તે અરધો નથી અને રૂપિયો દેખાતો તે રૂપિયો નથી. પૈસા ઉપર પારો ઘસેલો, અરધા જેવો રૂપેરી દેખાતો, બનાવટી અરધો છે, અને એનો જ પારો ચડાવેલો ઢબુ તે બનાવટી રૂપિયો છે.
જેવી ‘શ્રી રામ બોલો’ની ચિચિયારી પડે કે ખાસિયાણો પડેલો વટેમાર્ગુ સિકકો મૂકી ચાલવા માંડે. ઘણા તો એ મશ્કરી હસી કાઢે; પણ જો કોઇ મિજાજ કરી જીભ ચલાવવા સાહસ કરે તો મૂઓ જ પડયો. ટોળું એની આસપાસ હાઉહાઉ કરતું વીંટળાઇ વળે, જાતજાતની ગાળો પિરસવા માંડે અને આખરે હાલહવાલ થઇ જવું પડે.
હવે આ બીજું કરતૂક જુઓ. હોળિયા આમતેમ ફર્યા કરે છે. હાથમાં નેતરની સોટી યા ચાબુક છે. રાત્રે ખાસ બેસી બનાવેલી ધજાગરી હાથમાં છે. વેંત લાંબી સળીને એક છેડે ધજા છે. બીજે છેડે ટાંકણી ઊભી દોરીથી બાંધી છે. કોઇ શિકાર હાથમાં આવે એની રાહ જોવાય છે. કોઇ હરિના દાસ કે લહેરી લાલા પાઘડી – અંગરખે પસાર થાય છે કે તરત હલકે પગલે પાછળ ચાલી ધીમેથી ટાંકણીવાળા ધજાગરી ઢગલે કે પાઘડીએ ટપકાવી જ છે! રાહદારી ધજા ફફડાવતાં થોડે દૂર જાય છે કે ‘બોલો બોલો શ્રી રામ બોલો’ની બૂમ પડી જ છે!
આ વળી ત્રીજું કરતૂક: મુન્સફને ઓટલે માર્કંડ બેઠો છે. આ બાજુ સામે ચટપટને ઓટલે ચંપક બેઠો છે. ચૂપચાપ બંનેએ પોતાના હાથ થાંભલા પર ઊંચેથી ટેકવ્યા છે. કોઇ ટેસી ઝપાટાબંધ ચાલતા બેંગ્લોર કે એવી કોઇ ટોપી પહેરી આવે છે અને ધડ દઇને તલવારને એક ઝાટકે શરીરથી ધડ છૂટું થાય એમ માથેથી ટોપી ઊડી નીચે ગગડે છે! અને તરત જ ‘બોલો બોલો શ્રી રામ બોલો….’ ની બૂમ પડી રહે છે. માર્કંડ અને ચંપકે સામસામી ઝીણી પણ મજબૂત દોરી એવી સિફતથી ઝાલી છે કે આવનારની ઊંચાઇનો બરાબર અંદાજ કાઢી ટોપીનો રામરોટલો કરાવાય છે.
એમાં પણ જો મિસ્ટર હસીને સહી લે તો હોળિયા જાતે જ ટોપી ઊંચકી, ધૂળ ખંખેરી પાછી આપે છે; પણ જો ઇતરાજી કીધી, ‘તમારી જાતના….’ કરી એ ગાળ દીધી. તો સામી સો ગાળો વછૂટી જ છે અને ટોપી લઇને એકાદું રફુ થઇ જાય તે જુદું અને વખત બગડે છે તે નફામાં.
આ છે હવાડિયા ચકલાની હોળીના દિવસો. ચકલે ચકલે હોળી રચાય છે. બાલાજીને ચકલે તો ખાસ્સી મોટી, ઇંટોની ચણેલી, સાત છ પાંચ એમ ચઢઉતરની પગથીની. યજ્ઞકુંડ જેવી મોટી હોળી બનાવતા. ઉપર અબીલ ગુલાલે શણગારતા, ધૂપસળીએ શોભાવતા, માટીની નાની લાડુડી ઉપર ફૂલ મૂકી મ્હેકાવતા અને છેક પરાંના લોક તે જોવા પધારતા. સેતાનફળિયાની હોળી પણ મોટી અને હોળિયાઓ સેતાની!
હોળી અગાઉ ત્રણચાર દિવસથી નાચણવેડા શરૂ થઇ જાય. ‘કાકા હોળીની પૈ; કાકાની પાઘડી ઉથલૈ ગૈ’ના શોરબકોર ચાલવા માંડે. ઘણા સમજુ, શાનદાર શહેરીઓ તો સમયને સમજી એ ચારપાંચ દિવસ બહાર જ નહિ નીકળતા અને કદાચ ન છૂટકે નીકળતાં તો ખિસ્સામાં છૂટી દસવીસ પૈઓ નાખીને જ નીકળતા. છોકરાઓનું ટોળું વીંટળાવા માંડે તે પહેલાં ગજવામાં હાથ નાખી પૈ પૈસો કાઢી જ આપતા અને રસ્તો માપતા અને એમની ‘જે’ પણ બોલાતી.
પણ કેટલાક ઘાસલેટ સ્વભાવના આવતા ત્યારે ઠીક મજા આવતી. અમારે ચકલે મહીપત બાંગડ મોટે ભાગે બેસી રહેતો. ઉંમરમાં પાકટ, અને એના બેચાર બીજા સોબતીઓ પણ ખરા. જમાનાનો ખાધેલો, ગરીબનો બેલી, મહોલ્લાનો વાઘ, પાકી બાંધણીના કદાવર શરીરવાળો, હિંમતબાજ એવો કે ડોળો ચમકાવે તો ભલભલાના છકકા છૂટી જાય. એમાં ભોગજોગે કોઇ ગરમ લોહીનો આવી જાય ને ગાળાગાળી ઉપરથી છૂટા હાથના સોદાની વાત બની જાય તો મહીપત રાજા નીચે ઊતર્યા જ છે.
બે મિનિટમાં મામલો શાંત થયો તો ઠીક, નહિ તો એ નવુંજૂનું કરી બતાવે અને પોલીસના મામલા પણ થઇ જાય. કોઇક વાર પોલીસ આવીને બેસતી ત્યારે મહીપત એને પળમાં પસરાવી મૂકતો, અને ચાની બેઆનીમાં એને ઠેકાણે પાણી દેતો. રાતે ભારે મજા આવતી. બાર-બે વાગ્યા પછી અમારી ટોળી શિકારે નીકળતી. શિકાર એટલે અડોશીપડોશીનું જે કંઇ હાથ લાગે તે લાકડું ચોરી લઇ આવવાનું. શિકાર પર ન જવાનું હોય તો ચાંદનીમાં તડકો-શીળો રમતા અથવા સામી હોળી જીતવા થાપો મારવા જતા. બીજા ચકલાની હોળી કૂદી જાઓ તો તમે જીત્યા, પાછા જાઓ તો હાર્યા. આ માટે વ્યૂહ રચાતા, રીતસરની ચાબુકની મારામારી થતી, હલ્લા થતા, અને બીજે દિવસે વેરઝેર ભુલાઇ જતાં.
હોળીની રાતે અગિયાર- બાર વાગે મોટી હોળી પ્રગટતી ત્યારે એની પૂજા થતી. પરાંની હોળી ખાડો ખોદી કરવામાં આવતી! શહેરમાં માટીની બનાવી એની આસપાસ જ લાકડાં, ઘાસ, છાણાં વગેરે મૂકી સળગાવાતી.
પણ તોફાનનો ખરો દિવસ તો ધૂળી પડવો: બીજો દિવસ લાલ, ગુલાબી, કેસૂડો, વાદળી, એમ જાતજાતના રંગનો વરસાદ વરસતો. પતરાની પિચકારી, રંગની બાલડી અને હોળિયાની હિંમત, ભલભલા ચમરબંધનો મિજાજ ઉતારી નાખવામાં આવતો. ભલભલા એંટાળની ઓખાત બગાડી નાંખવામાં આવતી. મોટા મંદિર આગળ તો ગુલાલની જાણે જાજમ પથરાતી. રંગની છોળ અને આનંદની લહેરો ઉછળતી. ગામ રંગીલું બનતું, લોક લિજજતથી હોળી માણતું.
હોળી આવવાના દસબાર દિવસ અગાઉ મામાજી મને ડબગરવાડામાં લઇ જતા. એ જ એકકો. ઘરના ત્રીજા માળના કાતરિયામાંથી એક કડા વગરની સાદી તાંબાકૂંડી કાઢતા. તે લઇ ડબગરવાડામાં એકકી હંકારતા. ત્યાં એમનો એક ઓળખીતો છેલો દુકાન ચલાવતો.
આઇયે છોટાભાઇ શેઠ! બોલો હુકમ.’
‘હુકમ શું, છેલા. આ કૂંડી મઢી આપ અને ભાણાને કોઇ સારું જેવું નગારું બંધાવ.’
‘અચ્છા! ભાનેભાઇ કુ બી લાયે હો? આઇયે બૈઠિયે.’
છેલો ઘાટીલો માણસ હતો. હસમુખો, ઠરેલ, મીઠો, મહેનતુ અને કસરતબાજ. બહારના ઓટલા પર નેતર પડી હય. અંદર પણ નેતરના લાંબાલાંબા સોટા પડેલા હોય. ખૂણામાં થોડાં નગારાં, થોડી કૂંડીઓ અને ડુગડુગી અને ડફનો તો ઢગો હોય. બીજા ખૂણામાં એક નાનું રસોડું. રસોડું એટલે ચૂલો. બે ત્રણ વાસણો, અને ઉપરની અભરાઇ પર ચારપાંચ ડબ્બા એકાદી છાબડી. રાતે સૂવાનું પણ અહીં જ. જરા સાફસૂફી કરી બિછાનું બિછાવી દે.
સૂરત આખાને ઘરઘરને ઓટલે નગારાં વાગતાં: સવાર-સાંજ વાગતાં, રાત-મધરાતે વાગતાં, તો કદીક દૂરથી તાલબદ્ધ રણકારમાં કાનને મધુર લાગે એ રીત પણ વાગતાં. દસ વરસ સુધી સૂરતમાં એ નગારાંની જે મહેફિલ જોઇ છે એવી બીજે કયાંયે જોવા નહિ મળે.
કોઇને ‘ગીસનો વરરાજા’ કહેવો એટલે સામી બે ગાળી ખાવી. એ ‘ગીસના વરરાજા’ની ગાળ સૂરતીઓ જ સમજી શકે. સુરત સિવાય બીજે ગીસ નીકળતી હોય એવું મારી જાણમાં નથી.