રાવપુરા જીપીઓમાં લાંબી કતારો, ઓછો સ્ટાફ અને અધિકારીઓની ‘આંખ આડા કાન’ કરવાની નીતિ
ડિજિટલ ઇન્ડિયાના યુગમાં રાવપુરા પોસ્ટ ઓફિસમાં રિકરિંગનું કામ કાચબા ગતિએ

(પ્રતિનિધિ), વડોદરા. તા.21
શહેરની મધ્યમાં આવેલી ઐતિહાસિક રાવપુરા જીપીઓ (GPO) પોસ્ટ ઓફિસમાં છેલ્લા કેટલાક સમયથી સ્ટાફની ભારે અછતને કારણે વહીવટી તંત્ર ખોરવાયું છે. ખાસ કરીને રિકરિંગ ડિપોઝિટ (RD) અને અન્ય બચત યોજનાઓમાં નાણાં જમા કરાવવા આવતા મધ્યમ વર્ગના લોકો અને સિનિયર સિટિઝનોને કલાકો સુધી લાંબી કતારોમાં ઊભા રહેવાની નોબત આવી છે. આ ગંભીર સમસ્યા હોવા છતાં પોસ્ટમાસ્ટર અને ઉચ્ચ અધિકારીઓ ‘આંખ આડા કાન’ કરી રહ્યા હોવાનો આક્ષેપ જનતા કરી રહી છે. નવા વર્ષ ૨૦૨૬માં રિકરિંગ સ્કીમના નવા ખાતા જાન્યુઆરી મહિનામાં ખુલતા હોય છે ગ્રાહકોએ એજન્ટો દ્વારા અને ડાયરેક્ટ રીતે ખોલાવેલા ખાતા સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં પૂરા થઈ જતા હોય છે. જેથી રીકરીંગના ખાતાની ભારે માંગ રહે છે. આવા ખાતાના કાર્ડ પ્રત્યેક બુધવારે જ આપવામાં આવતા હોવાનું કહેવાય છે. ગયા બુધવારે ઉતરાયણના તહેવાર નિમિત્તે પોસ્ટ ઓફિસોમાં જાહેર રજા હતી. જ્યારે આજે રાવપુરા પોસ્ટ ઓફિસમાં સ્ટાફ શોર્ટેજના કારણે માત્ર એક જ કર્મચારી દ્વારા રિકરિંગનું કામકાજ કરવામાં આવતું હતું. જોકે ડિપાર્ટમેન્ટના અન્ય ખાતાઓ ચાલુ હતા પરંતુ સ્ટાફ શોર્ટેજના કારણે રીકરીંગ વિભાગનું માત્ર એક જ કાઉન્ટર ચાલુ હતું. જ્યાં રિકરીંગના કાર્ડ મેળવવા માટે ગ્રાહકો સહિત એજન્ટોની ભારે મોટી લાઈન લાગી હતી. કાર્ડ આપવાની કામગીરી માત્ર બે વાગ્યા સુધી જ થતી હોય છે. સવારે નિયમિત સમયે કાઉન્ટર ખુલતા જ ગ્રાહકો અને એજન્ટોની મોટી લાઇન રીકરીંગના કાર્ડ મેળવવા માટે લાગી ગઈ હતી. જેથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.