
( પ્રતિનિધિ )વડોદરા,તા.21
ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા 8 માસથી વોન્ટેડ ચુઈ ગેંગના માથાભારે આરોપી જયેશ માછીને હાઇવે રોડ થઈ વડોદરા શહેરમાં પ્રવેશતા જ સયાજી ટાઉનશીપ રોડ પરથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી વિરુદ્ધ અપહરણ, ખૂનની કોશિશ, મારામારી પ્રોહિબિશન સહિતના 16 જેટલા ગુનાઓ શહેર અને જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે.
ગુજસીટોકના ગુનાનો આઠ માસથી પોલીસ ચોપડે ફરાર આરોપી અરુણ જયેશભાઈ માછી નેશનલ હાઈવે રોડ થઈને જગદીશ ફરસાણ સામેના સયાજી ટાઉનશીપ રોડ પર થઈને તેના હાલના મકાન વિનાયક રેસીડેન્સી તરફ જવાનો છે. જે ચોક્કસ માહિતીને આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે સયાજી ટાઉનશીપ રોડ ઉપર વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન વર્ષ 2024 માં હરણી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરેલ કાર ઝડપાઈ હોય જે ગુનામાં જયેશ માછીનું નામ ખુલ્યું હતું. ઝડપાયેલા આરોપી અરુણ માછી સામે નોંધાયેલ ગુજસીટોક અન્વયેના ગુના ની તપાસ એ ડિવિઝનના એસીપી ડીજે ચાવડા કરતા હોય આરોપીની ગુનાના કામે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે, આરોપી અરુણ માછી વિરુદ્ધ બાપોદ, જેપી રોડ, પાણીગેટ, કિશનવાડી, જવાહર નગર, છાણી, ડીસીબી, આણંદ જિલ્લાના આંકલાવ, વરણામાં, ગોત્રી અને હાલોલ ટાઉન સહિતના પોલીસ મથકોમાં અગાઉ અપહરણ હત્યાનો પ્રયાસ મારામારી તેમજ વિદેશી દારૂના મળીને કુલ 16 જેટલા ગુનાઓ નોંધાયેલા છે.