શિક્ષણ બોર્ડે હોલ ટિકિટ વેબસાઈટ પર અપલોડ કરી
ગત વર્ષની સરખામણીમાં આ વખતે પરીક્ષા બે દિવસ વહેલા લેવામાં આવશે
( પ્રતિનિધિ )વડોદરા,તા.20
ધોરણ-9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડ દ્વારા 28 જાન્યુઆરીના રોજ પ્રખરતા શોધ કસોટી લેવામાં આવશે. આ પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાંથી ધોરણ-9 ના 1.04 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. ગત વર્ષની સરખામણીમાં આ વખતે વિદ્યાર્થીઓની સંખ્યામાં સામાન્ય વધારો જોવા મળ્યો છે. આ વખતે વિદ્યાર્થીઓની સંખ્યા દોઢ હજારનો વધારો થયો છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 28 જાન્યુઆરીના રોજ ધોરણ-9ના વિદ્યાર્થીઓ માટેની પ્રખરતા શોધ કસોટી લેવામાં આવનાર છે. ગત વર્ષની સરખામણીમાં આ વખતે પરીક્ષા બે દિવસ વહેલા લેવામાં આવશે. ગત વર્ષે 30 જાન્યુઆરીના રોજ પરીક્ષા લેવાઈ હતી. પ્રખરતા શોધ કસોટીના આવેદનપત્રો 15 નવેમ્બર, 2025થી 12 ડિસેમ્બર, 2025 દરમિયાન બોર્ડની વેબસાઈટ પરથી ઓનલાઈન માધ્યમથી ભરવામાં આવ્યા હતા. ફોર્મ ભરવાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ સમગ્ર રાજ્યની 104887 વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા હતા. ગત વર્ષની સરખામણીમાં આ વખતે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. ગત વર્ષે 103392 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જ્યારે આ વર્ષે સંખ્યામાં 1495નો વધારો થયો છે. પ્રખરતા શોધ કસોટીમાં બે પ્રશ્નપત્રો પૂછાશે. જેમાં પ્રશ્નપત્ર-1માં ગુજરાતી, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન અને સામાન્ય જ્ઞાનના મળી કુલ 100 ગુણના 100 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જ્યારે પ્રશ્નપત્ર-2માં ગણિત, વિજ્ઞાન અને માનસિક ક્ષમતાને લગતી 100 ગુણના 100 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. એક પ્રશ્નપત્ર લખવા માટે વિદ્યાર્થીઓને બે કલાકનો સમય આપવામાં આવ્યો હતો. પરીક્ષા માટેની હોલ ટિકિટ બોર્ડ દ્વારા અપલોડ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે. પ્રખરતા શોધ કસોટીને લઈને રાજ્યમાં 34 જેટલા ઝોન નક્કી કરવામાં આવ્યા છે. પરીક્ષા માટેની હોલ ટિકિટ શિક્ષણ બોર્ડ દ્વારા અપલોડ કરી દેવામાં આવી હતી.