મદન ઝાંપા રોડ અને બકરાવાડીમાં અધિકારી હર્ષ રાજની આગેવાનીમાં કડક કાર્યવાહી; બાકીદારોમાં મચ્યો ફફડાટ
વડોદરા: શહેરમાં ગેસ જોડાણ ધરાવતા ગ્રાહકો માટે વડોદરા ગેસ લિમિટેડ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી જે ગ્રાહકોના બે કે તેથી વધુ બિલ લાંબા સમયથી બાકી છે, તેમના કનેક્શન કાપવાની કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ અભિયાનના ભાગરૂપે આજે શહેરના પૂર્વ અને મધ્ય વિસ્તારમાં વ્યાપક તપાસ અને કનેક્શન ડિસ્કનેક્ટ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.

આજે વડોદરાના મદન ઝાંપા રોડ, બકરાવાડી અને તેની આસપાસના ગીચ વિસ્તારોમાં ગેસ અધિકારી હર્ષ રાજની સીધી દેખરેખ હેઠળ VGLની ટીમ ત્રાટકી હતી. કામગીરી દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને અને સ્થાનિકો સાથે ઘર્ષણ ટાળી શકાય તે હેતુથી નવાપુરા પોલીસ સ્ટેશનનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો. પોલીસની હાજરીમાં શાંતિપૂર્ણ રીતે બાકીદારોના કનેક્શન કાપવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી.
VGLએ તમામ ગ્રાહકોને નમ્ર અપીલ કરી છે કે તેઓ પોતાના ગેસ બિલ બાકી ન રાખે. સમયસર નાણાંની ચુકવણી કરીને વહીવટી તંત્રને સહકાર આપે, જેથી કનેક્શન કાપવાની કડક કાર્યવાહીનો સામનો ન કરવો પડે અને અસુવિધાથી બચી શકાય. આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ આ ઝુંબેશ વધુ વેગવંતી બનાવવામાં આવશે તેવા સંકેતો મળી રહ્યા છે.
:- અધિકારીઓની ગ્રાહકોને અપીલ…
આ કાર્યવાહી અંગે માહિતી આપતા ગેસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા વારંવાર સૂચના આપવા છતાં ઘણા ગ્રાહકો બિલ ભરવામાં બેદરકારી દાખવી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે:
*સમયસર ચુકવણી: ગ્રાહકો પોતાના હિતમાં ગેસ બિલ સમયસર ભરે તે અનિવાર્ય છે.
*અસુવિધાથી બચો: બિલ બાકી રહેવાને કારણે કનેક્શન કપાય ત્યારે ગ્રાહકોને જ જમવાનું બનાવવામાં અને અન્ય કામોમાં ભારે મુશ્કેલી પડે છે.
*ઉકેલની ખાતરી: જો કોઈ ગ્રાહકને બિલની રકમમાં વિસંગતતા, કનેક્શનમાં ખામી કે અન્ય કોઈ ટેકનિકલ સમસ્યા હોય તો તેઓ VGLની કચેરીનો સંપર્ક કરી શકે છે, જ્યાં તેમની સમસ્યાનો યોગ્ય નિકાલ કરવામાં આવશે.